ગુજરાત
News of Thursday, 24th November 2022

સુરતના મહિધરપુરા વિસ્તારમાં મહારાષ્ટ્ર પાસિંગ કારને તપાસ કરતા પોલીસને 74.82 લાખ રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા રૃા.૭૪.૮૨ લાખ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ફલાઇગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઇવર સહિત ત્રણમાંથી એક ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં આ રૃપિયા શ્રીરામ આંગડીયા પેઢીના હોવાનું અને કોને અને કયાં પહોંચાડવાના હતા. તે હજુ સુધી રહસ્ય જ હોવાથી આખો કેસ ઇન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.

ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે. તેમ તેમ ચૂંટણી પંચ દ્વારા રૃપિયા, જવેલરી, દારૃની હેરાફેરી પર નજર રાખવા માટે સ્ટેટીક સર્વેલેન્સ, ફલાઇગ સ્કવોડની ટીમ રાઉન્ડ ધી કલોક ચાંપતી નજર રાખી રહી છે. દરમ્યાન મંગળવારની રાત્રે ફલાઇગ સ્કવોડને મળેલી ફરિયાદના આધારે મહિધરપુરા જડાખાડી પાસેથી પસાર થતી મહારાષ્ટ્ર પાર્સિગની ઇનોવા કાર નં.એમ.એચ.૦૪ ઇએસ ૯૯૦૭ અટકાવી હતી. અને તેની તપાસ દરમ્યાન કારમાંથી રોકડા રૃા.૭૪.૮૨ લાખ મળી આવ્યા હતા. આથી ફલાઇગ સ્કવોડની ટીમ ત્રણેયની અટકાયત કરી તપાસ કરે તે પહેલા જ એક ઇસમ ભાગી છુટયો હતો.

જયારે પકડાયેલા બેમાં ડ્રાઇવર ઉદય ગુર્જર ( રહે નવી દિલ્હી ) અને સુરતનો મોહમ્મદ ફૈજ પકડાયો હોવાનું જાણવા મળ્યુ છે. જયારે ભાગી છુટેલ ઇસમનું નામ સંદીપ ખુલ્યુ છે. આથી સંદીપ પકડાય તો મોટુ રહસ્ય ખુલી શકે તેમ છે. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછ કરતા જણાવ્યુ હતુ ક, શ્રીરામ આંગડીયા પેઢીમાંથી રૃપિયા લેવા માટે જણાવ્યુ હતુ. અને ત્યારબાદ ફોન આવે તે મુજબ રૃપિયા આપવાના હતા. આથી આ રૃપિયા કોને અને કયાં પહોંચાડવાના હતા ? તે હજુ સુધી રહસ્ય છે.

 

(6:00 pm IST)