ગુજરાત
News of Thursday, 24th November 2022

કેવડીયાથી પોસ્ટલ મતદાન કરવા આવેલા એસઆરપી જવાન મંગુભાઇ રોહિતે લાકડીનાં ટેકે મતદાન કર્યું

જીતનગર ખાતે પોલીસ-SRP, હોમગાર્ડઝ, જીઆરડી, ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો એ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું:નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી સહિત બેઠકના ઉમેદવારો-પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિમાં યોજાયેલા મતદાનમાં ૧૫ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓ મતદાન પ્રક્રિયાની ફરજમાં જોડાયાં :પોસ્ટલ બેલેટથી બપોરે ૧=૦૦ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ નોંધાયેલું મતદાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા  સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે મતદાનનાં દિવસે ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી ફરજ પર રહેનારાં ગૃહ વિભાગના પોલીસ-SRP, હોમગાર્ડઝ અને જીઆરડી અને ટ્રાફિક TRP ના જવાનો સહિત કુલ-૧૯૦૨ જવાનો, અધિકારીઓ/કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નાંદોદ બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીની રાહબરી હેઠળ તા.૨૩ મી નવેમ્બર,૨૦૨૨ નાં રોજ રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટરના સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ગૃહ વિભાગની તમામ શાખાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. પોસ્ટલ બેલેટથી બપોરે ૧=૦૦ વાગ્યા સુધીમાં ૫૦ ટકાથી પણ વધુ મતદાન નોંધાયું હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયેલ છે.
    નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ જીતનગર પોલીસ હેડક્વાર્ટસ સંકુલમાં આજે પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનમાં પોલીસ જવાનો દ્વારા થઇ રહેલા મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતુ. આ ફેસિલિટેશન સેન્ટરની બહાર ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરાયેલી ઉક્ત સુવિધા સંદર્ભે પોલીસ જવાનોને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવું તે અંગેની વૈધાનિક બાબતોની સમજુતી પુરી પાડવાની પણ વ્યવસ્થા કરાઇ હતી.
 નાંદોદ વિધાનસભા મત વિસ્તારની બેઠકના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,આજે ગૃહ વિભાગના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનના ફેસીલીટેશન સેન્ટરના કરાયેલા આયોજનમાં અહીં ૬૦૯-હોમગાર્ડઝ, ૭૭૬-GRD, ૨૪૧- પોલીસ, ૧૧૮-ટ્રાફિક TRP  અને ૧૫૮-SRP જવાનો સહિત કુલ-૧૯૦૨ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કરાયેલ છે અને દરેક કર્મચારીને પોસ્ટલ બેલેટથી કઇ રીતે મતદાન કરવુ તેની સાથોસાથ ડેક્લેરેશનમાં ફોર્મમાં સહી કરીને કઇ રીતે મુકવું તે બાબતો સમજાવવામાં આવી છે અને ઇન્કલુઝીવ અને એક્સેસીબલ મતદાન થાય તે માટેનો ચૂંટણી પંચનો આ ખૂબ જ સારો પ્રયાસ અને તે અંગેની વ્યવસ્થા હોવાનું ઉમેર્યું હતુ.યોજાયેલા ઉક્ત મતદાનમાં જિલ્લાના એકતાનગર (કેવડીયા) થી લાકડીના ટેકે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આવેલા અને SRP ગૃપમાં પોલીસ-સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા મંગુભાઇ પી. રોહિતે આ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઇ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સ્વસ્થ-શસક્ત પોલીસ જવાન અને યુવા મતદારો સહિતના તમામ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના આ અવસરમાં ઉત્સાહભેર ભાગ લેવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. માધ્યમો સાથેના સંવાદમાં PSI રોહિતે જણાવ્યું હતું કે, ગત-૨૦૧૫ માં તેમને ડાબા પગે અકસ્માતને લીધે ફેક્ચર થવાથી પગમાં પ્લેટ નાંખેલ છે અને પોતે ત્યારથી લાકડીના ટેકે પોતાના વિભાગની ફરજો બજાવી રહ્યા છે અને અગાઉના સમયમાં પણ યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં આજ રીતે લાકડીના ટેકે મતદાન કરેલ છે.

(10:19 pm IST)