ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજપીપળા ન.પા.ની મતદાર યાદીમાં વોટ બેંક ઉભી કરવા ખોટા નામ બીજા વોર્ડમાં દાખલ કરાયા હોવાની પાલિકા સદસ્યની રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાની મતદાર યાદીમાં અમુક નામો ખોટી રીતે બીજા વોર્ડમાં દાખલ કરાયા હોય તો આ બાબતે ઘટતું કરી યોગ્ય ન્યાય આપવા બાબતે રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં.૪ ના સદસ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપભાઈ દશાંદીએ પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે.
  તેમણે રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં સને ૨૦-૨૧ની જે મતદાર યાદી જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.તે યાદીઓમાંથી ઘણા રેગ્યુલર વોર્ડના માણસોના નામ બીજા વોર્ડમાં એટલે કે જે વિસ્તારમાંથી એ લોકો ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે.તેવા તત્વો આવી ગંદી કામગીરી કરી રહ્યા છે.એવું અમારાં જાણવામાં આવ્યું છે. સરકારે પ્રસિદ્ધ કરેલી યાદી બરાબર હોવા છતાં અમુક વ્યક્તિોના દબાણથી આ કામગીરી થઈ રહી છે.જે બંધ થાય એવી અમારી વિનંતી કરાઈ છે.
  રેગ્યુલર મતદાર યાદીમાં કોઈ ભૂલ હોય અને તેનું નામ ખરેખર બીજા વોર્ડમાં બોલતું હોય તેવા માણસનું રેગ્યુલર કરવાની કામગીરીમાં અમારી કોઈ ફરિયાદ નથી પરંતુ વોટ બેંક બનાવવા જે વોર્ડ ચેન્જ કરવામાં આવે તે બાબતે યોગ્ય તપાસ કરી ઘટિત ન્યાયી કામગીરી કરવા માટે આ રજુઆતમાં જણાવ્યું છે.

(10:32 pm IST)