ગુજરાત
News of Wednesday, 25th November 2020

વક્તાપુરના ખેડૂતનો કેનાલ પર આત્મવિલોપન કરવાનો પ્રયાસ

કેનાલથી સિંચાઈ માટે છોડાયેલા પાણી મુદ્દે કનડગત : ખેડૂતો દ્વારા એન્જિનો મૂકીને પાણી ખેંચી લેતા હોવાની ફરિયાદથી તંત્રએ કાર્યવાહી કરતા હોબાળો મચી ગયો

હિંમતનગર, તા. ૨૫ : હિંમતનગર તાલુકાના વકતાપુર ગામના ખેડૂતે ગુહાઇ કેનાલમાંથી સિંચાઇ માટે છોડવામાં આવેલ પાણી બાબતે અધિકારીઓની કનડગતથી નારાજગી દર્શાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્ર દોડતુ થયું હતું.

ગુહાઇ સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં વાવેતર કરવા માટે કેનાલમાંથી પાણી છોડાયુ હતું.જેમાં વકતાપુર ગામમાં ખેડૂતોએ દિવસ દરમિયાન એન્જિનો ચાલુ કરી દેતાં આગળના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી પહોંચતુ હોવાની ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ગુહાઇ સિંચાઇ વિભાગના અધિકારીઓએ વકતાપુર નજીક કેનાલ પર ગોઠવાયેલ એન્જિનોની તપાસ હાથ ધરી હતી.

તે દરમિયાન વકતાપુર ગામના કનુભાઇ પટેલના એન્જિનની હોર્સ પાઇપ અને હેન્ડલ મશીન અધિકારીઓ દ્વારા લઇ લેવામાં આવી હોવાથી માથાકૂટ થઇ અને કનુભાઇ પટેલ નામના ખેડૂતે ડીઝલનો કેરબો લઇ કેનાલ પર પહોંચી પોતાના શરીર પર છંટકાવ કરીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અંગે કનુભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ખેડૂતોએ પિયત મંડળી દ્વારા સિંચાઇ વિભાગમાં અગાઉથી પિયાવાની રકમ જમા કરાવી હોવા છતાં ખેડૂતોને હેરાન પરેશાન કરાતાં કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. અંગે ગુહાઇ સિંચાઇ વિભાગના એસ.. જતિનભાઇએ જણાવ્યું હતું કે, દિવસ-રાત કેનાલ પર એન્જિનો મૂકીને ખેડૂતો કેનાલમાંથી પાણી ખેંચતા હોવાથી આગળના વિસ્તારના ખેડૂતોને સિંચાઇની સુવિધાથી વંચિત રહેવું પડે છે. વકતાપુર ગામના ખેડૂતો સાથે અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને ખેડૂતોના પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરાશે.

(8:53 pm IST)