ગુજરાત
News of Wednesday, 25th November 2020

રાજ્યમાં મંજુર કરાયેલ સંખ્યા મુજબ આરોગ્ય સેન્ટર નથી : હાઇકોર્ટમાં રજુઆત : સરકારના સોંગદનામા સામે વાંધો

હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં આદેશ બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા સામે અરજદાર તરફે વાંધો વ્યક્ત કર્યો : સરકારી હોસ્પિટલમાં પણ સ્ટાફની અછનો મુદ્દો ઉઠાવ્યો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં આદેશ બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામા સામે અરજદાર તરફે વાંધો વ્યક્ત કરતા સોગંદનામામાં રજુઆત કરવામાં આવી હતી કે રાજયમાં મંજુર કરાયેલી સંખ્યા પ્રમાણે જિલ્લા હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઈમરી હેલ્થ સેન્ટર નથી. Gujarat High Court 

અરજદાર ખેમરાજ કોષ્ટિ તરફે રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના જિલ્લા હોસ્પિટલ, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મંજુર કરાયેલી સંખ્યા મુજબ ઉપલબ્ધ નથી. વર્ષ 2011ની જનસંખ્યા પ્રમાણે ગુજરાતમાં 68 ટકા લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે જ્યારે 80 ટકા ડોક્ટરો શહેરી વિસ્તારમાં કામ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2020 પ્રમાણે ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 5748 જેટલા પદ પર ભરતી કરવામાં આવી નથી.

આ સિવાય અમદાવાદના સરકારી હોસ્પિટલમાં પણ સ્ટાફની અછત હોવાની રજુઆત કરવામાં આવી છે. એલ.જી. હોસ્પિટલમાં મંજુર કરાયેલા કુલ પદ સામે 409 અને શારદાબેન હોસ્પિટલમાં 450 પદની ભરતી કરવામાં આવી નથી. આજ રીતે સુરત, વડોદરા અને રાજકોટમાં આવેલી મુખ્ય સરકારી હોસ્પિટલમાં મંજુર કરાયેલા પદ સામે 50 ટકા જેટલા પદ ભરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. Gujarat High Court

મેડિકલ એજ્યુકેશનમાં પણ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સહિતના પદ માટે મંજુર કરાયેલા કુલ 2544 પદ સામે 756 પદ પર ભરતી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં આરોગ્ય સચિવ અને અન્ય એક્સપર્ટ અધિકારીઓ દ્વારા મેડિકલ સ્થિતિનો તાગ મેળવી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

(8:14 pm IST)