ગુજરાત
News of Wednesday, 25th November 2020

અનાથ છ વર્ષના વિશાલને ઈટાલિયન માતા-પિતા મળ્યા

૪ દિવસના બાળકને માતા-પિતાએ તરછોડી દીધો હતો : ઈટાલી જનારો વિશાલ હવે ત્યાંની ભાષા શિખી રહ્યો છે

અમદાવાદ, તા. ૨૫ : છ વર્ષના વિશાલને હવે માત્ર નવું ઘર જ નહીં, નવી ઓળખ પણ મળી છે. તેના નવા માતાપિતા ઈટાલીમાં રહે છે, અને તેઓ વિશાલને દત્તક લેવા ખાસ અમદાવાદ આવ્યા છે. છેલ્લા ૧૫ દિવસમાં અમદાવાદના કોઈ અનાથઆશ્રમમાંથી બાળકને ઈટાલીના દંપતીએ દત્તક લીધું હોય તેવો આ બીજો કિસ્સો છે. વિશાલને દત્તક લેનારા એન્ડ્રી મિઆઝો અને નાદિયા ગોટ્ટાર્ડો ઈટાલીના વેનેતો પ્રાંતના વતની છે. તેઓ જણાવે છે કે તેમણે ૧૦ વર્ષ પહેલા બાળક દત્તક લેવાના પ્રયાસ શરુ કર્યા હતા. શરુઆતમાં તેમણે ઈટાલીમાં તેના માટે પ્રયાસ કર્યા હતા.

જોકે, ઈટાલીમાં પ્રયાસોને સફળતા ના મળતા તેમણે યુરોપના અન્ય દેશોમાં પણ પોતાની તપાસ લંબાવી હતી. આખરે, એક મિત્ર અને હિતેચ્છુની સલાહને અનુસરી આ ઈટાલિયન કપલે ભારતની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (સીએઆરએ)નો બે વર્ષ પહેલા સંપર્ક કર્યો હતો. લાંબો સમય રાહ જોયા બાદ બાળક માટે આતુરતાથી રાહ જોઈ રહેલા આ દંપતીની શોધ વિશાલ પર આવીને અટકી હતી. લાંબુ પેપરવર્ક પૂરું થયા બાદ આ કપલ ફેબ્રુઆરીમાં જ વિશાલને એડોપ્ટ કરવા ભારત આવવાનું હતું. જોકે, કોરોનાને કારણે તે શક્ય ના બન્યું.આ દરમિયાન તેઓ વિશાલ સાથે વીડિયો કોલથી સતત સંપર્કમાં હતા. ગુજરાતી બોલતો વિશાલ અત્યાર સુધી તો પાપા, મમ્મા અને ચાઓ (ઈટાલીમાં નમસ્તે) બોલતા જ શીખ્યો છે, પરંતુ તેના મમ્મી-પપ્પાને વિશ્વાસ છે કે દીકરો જલ્દી તેની નવી ભાષા બોલતા શીખી જશે.

વિશાલના પિતાનું કહેવું છે કે તેઓ તેનું નામ પણ બદલવાના નથી, જેથી તેનું માતૃભૂમિ સાથેનું જોડાણ યથાવત રહે. તેમણે જણાવ્યું હતું કે ભારત આવતા પહેલા તેના વિશે ઘણું સાંભળ્યું હતું, અને આખરે વિશાલ આ દેશ સાથે અમારો સંપર્ક જોડવા માટેની કડી સમાન બન્યો છે. વિશાલને જે આશ્રમમાંથી દત્તક લેવામાં આવ્યો છે તેના સંચાલકોના જણાવ્યા અનુસાર, તે માત્ર ચાર દિવસનો હતો ત્યારે તેને તરછોડી દેવામાં આવ્યો હતો. તેની તબિયત પણ સારી નહોતી રહેતી, પરંતુ ધીરે-ધીરે તેની હાલત સુધરતી ગઈ. તેને દત્તક આપવાની વિધિ ગાંધીનગર સ્થિત સ્ટેટ અડોપ્શન રિસોર્સ ઓથોરિટીની ઓફિસમાં પૂરી કરવામાં આવી હતી.

(7:33 pm IST)