ગુજરાત
News of Wednesday, 25th November 2020

શહેરમાં બાગ-બગીચા માત્ર ૪ કલાક જ ખોલવા નિર્ણય

બેફામ બનેલા કોરોના પર કાબૂ મેળવવા ક્વાયત : સવારે સાતથી નવ અને સાંજે પાંચથી સાત દરમિયાન જ બગીચા ખુલ્લા રાખવાની કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ

અમદાવાદ,તા.૨૫ : કોરોનાના કપરા કાળમાં અમદાવાદ શહેરમાં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઈને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાતના ૯થી ૬ દરમિયાન નાઈટ કરફ્યુ તો છે પરંતુ તેની સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળને ખાસ શોધવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરના નાના-મોટા થઈને ૨૫૦ જેટલા બાગ-બગીચાઓ પર અમદાવા દીઓની રોક લાગે એ માટે સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે. રાત્રિ કરફ્યૂ પતે તેના સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના ૭થી ૯ દરમિયાન બાગ બગીચા ખુલશે. એ સિવાય સાંજના ૫થી ૭ દરમિયાન બાગ-બગીચા ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કરફ્યૂના સમયને સાંકળીને બાગ-બગીચા ખુલ્લાં રાખવાના સમય નક્કી કરવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલું સંક્રમણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન  નક્કી કરવામાં આવે છે.

જેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેમાં ૧૬૩ જેટલી સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં શામેલ હતી જેમાં વધારો થઈને હાલ ૨૦૩ જેટલી સોસાયટી અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ થઈ છે. અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તાર બાદ હવે બોડકદેવ અને ઓઢવ વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેમાં હાલ બોડકદેવ વિસ્તારની બે સોસાયટીમાં ૨૫થી વધારે કેસ જ્યારે ઓઢવની છ સોસાયટીમાં ૪૦થી વધારે કેસ સામે આવ્યા છે.

(7:32 pm IST)