ગુજરાત
News of Wednesday, 25th November 2020

કોરોનાગ્રસ્ત મહિલાને બચાવવા ગર્ભાશય કાઢી નાખવું પડ્યું

કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો : મહિલાનો વાયરલ લોડ ઘણો હાઈ અને પ્લેટલેટ્સ ઘટી ગયા હોઈ ઓપરેશન કરવું પડ્યું : કેસ ખૂબ જ અસમાન્ય

અમદાવાદ,તા.૨૫ : કોરોનાની શરીરના અંગો પર શું અસર પડે છે તેના પર વિગતે અભ્યાસ થઈ ચૂક્યા છે. જોકે, હાઈ-રિસ્ક પ્રેગનેન્સીમાં કોરોના ધાર્યા કરતા ઘણો ઘાતક નીવડી શકે છે. આવી જ એક ઘટનામાં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને બચાવવા ડોક્ટરોએ તેનું ગર્ભાશય કાઢી નાખવાની ફરજ પડી છે. આ મહિલાને કોરોનાનો વાયરલ લોડ ઘણો હાઈ હતો અને તેના પ્લેટલેટ કાઉન્ટ્સ પણ ઘટી જવાના કારણે ડિલિવરી બાદ તેનું ગર્ભાશય સંકોચાઈ નહોતું રહ્યું. અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલ સાથે સંકળાયેલા અને છ કોરોના પોઝિટિવ મહિલાઓની હાઈ રિસ્ક ડિલિવરી કરાવનારા ડૉ. બિન્દુ રાવલના જણાવ્યા અનુસાર, તેમના માટે પણ આ કેસ ખૂબ જ અસમાન્ય હતો.

મહિલાનો વાયરલ લોડ ઘણો હાઈ હતો, અને પ્લેટલેટ્સ ઘટી ગયા હતા. મહિલાનું સિઝેરિયન કરીને બાળકનો જન્મ કરાવાયો હતો. સર્જરીના બે કલાક બાદ મહિલાને બ્લિડિંગ શરુ થયું હતું અને તેના પલ્સ રેટ ધીમા પડી રહ્યા હતા તેમજ બ્લડ પ્રેશર ઘટી રહ્યું હતું. દવાઓની કોઈ અસર ના થતાં મહિલાને તરત જ ફરી ઓપરેશન થિયેટરમાં લઈ જવાની ફરજ પડી હતી. ડોક્ટરોની ટીમમાં ઈન્ટેન્સિવિસ્ટ ડૉ. જિગ્નેશ પ્રજાપતિ પણ હતા. ડૉ. રાવલે મહિલાનું ગર્ભાશય સંકોચાય તેવા પ્રયાસ કરવા છતાં તેમાં સફળતા ના મળતા આખરે દર્દીનો જીવ બચાવવા માટે તેનું ગર્ભાશય દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.

દર્દી કોરોના પોઝિટિવ હોવાથી ડૉક્ટરોની એક જ ટીમ ઓપરેશન થિયેટરમાં કલાકો સુધી કેસને હેન્ડલ કરી રહી હતી. ગર્ભાશય દૂર કરવાથી મહિલાનો જીવ તો બચી ગયો છે, પરંતુ તેની સ્થિતિ ગંભીર હતી. તેને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને આખરે તેની તબિયતમાં સુધારો થતાં આખરે ડિલિવરીના દિવસો બાદ મહિલા પોતાના બાળકનું મોઢું જોઈ શકી હતી.

(7:32 pm IST)