ગુજરાત
News of Wednesday, 25th November 2020

સુરતના ડિંડોલીમાં બે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહીત 2.86 લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ડિંડોલી અને ઉધનામાં તસ્કરોએ બે બંધ ઘરને નિશાન બનાવી નકુચો અને તાળું તોડી તેમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂ.2.86 લાખની મત્તાની ચોરી કરી હતી. ઉત્તરપ્રદેશના વતની અને સુરતના ડિંડોલી માર્કે પોઈન્ટ પાછળ શિવ સાંઈ શક્તિ સોસાયટી બી/25 માં રહેતા 34 વર્ષીય રાજેશભાઈ ગુરુપ્રસાદ ઉંમર વૈષ્ણવ વેસુ ચાર રસ્તા સ્થિત એસ.ડી.જૈન સ્કુલના ટીચર છે. પત્ની બબીતાબેનની તબીયત તા.16 મીએ બગડતા તેઓ જીતેશ પાર્ક સોસાયટીમાં રહેતા સાળાના ઘરે રોકાયા હતા. રવિવારે પત્ની સાથે ઘરે પરત આવ્યા બાદ રાતે ફરી સાળાને ત્યાં જતા રહ્યા હતા. ગત બપોરે તે એકલા ઘરે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલો હતો અને ઘરમાં લોકરમાં મુકેલા સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ.10 હજાર મળી કુલ રૂ.1,92,500 ની મત્તાની ચોરી થયેલી જણાતાં ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. બીજી ઘટનામાં મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં અલથાણ ભીમરાડ ચેક પોસ્ટની પાસે શિવ રેસિડન્સી સી/409 માં રહેતા ફર્નિચરના વેપારી ઓમપ્રકાશ બસ્તીરામ સુથારનો નાનો ભાઈ બુધારામ પત્ની કૌશલ્યા, બે દીકરા અને નાના ભાઈ મનિષ સાથે ઉધના શિવનગર સોસાયટી ઘર નં.29 માં રહે છે. માતાપિતા વતન ગયા હોય બુધારામ પણ પરિવાર અને નાના ભાઈ સાથે ગત 18 મી ના રોજ વતન રાજસ્થાનના નાગૌર ગયો હતો. દરમિયાન, રવિવારે રાત્રે મકાનનું તાળું તોડી કે ડુપ્લીકેટ ચાવીથી ખોલીને તસ્કરો ઘરમાંથી રૂ.64 હજારના સોનાના દાગીના અને રોકડા રૂ.30 હજાર મળી કુલ રૂ.94 હજારની મત્તા ચોરી ગયા હતા. મળસ્કે પાડોશીએ બુધારામને જાણ કરી હતી. ઉધના પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવાઇ છે.

(5:28 pm IST)