ગુજરાત
News of Wednesday, 25th November 2020

સુરત:જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ નજીકથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે યુપીવાસી શખ્સને ઝડપી પાડ્યા

સુરત: જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસેથી પોલીસે દેશી બનાવટની લોડેડ પીસ્ટલ સાથે બે યુપીવાસીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે 9 કાર્ટીઝથી લોડેડ પિસ્ટલ અને એક મેગઝિન પણ કબ્જે લીધું હતું.

જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એન. પઢીયારને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ પાસે વોચ ગોઠવી શુભમસીંગ રામસીંગ રાજપુત (ઉ.વ. 25 રહે. 703, ટાટા હાઉસીંગ, કલ્યાણ-ભીંવડી બાયપાસ, વેસ્ટ, મુંબઇ અને મૂળ સોમનસી, પોસ્ટ, પુછેરા, જિ. સુલતાનપુર, યુપી) અને શુશીલકુમાર અરૂણકુમાર મિશ્રા (ઉ.વ. 20 રહે. રાધપુર મદરે ગામ, સરતેજપુર, જેસીંગપુરા, જિ. સુલતાનપુર, યુપી) ને ઝડપી પાડી તેમની પાસેથી 9 કાર્ટીઝથી લોડેડ દેશી બનાવટની લોડેડ પિસ્ટલ અને એક મેગઝિન કે જેમાં 6 નંગ જીવતા કાર્ટીઝ હતા તે મળી કુલ રૂા. 26,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બંનેની હાથ ધરેલી પુછપરછમાં પોતાના શોખ માટે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટીઝ યુપીના પ્રતાપગઢ ખાતેથી રૂા. 28,000માં ખરીદયાની કબૂલાત કરી હતી. મુંબઇમાં છુટક કામકાજ કરતા બંને બે દિવસ અગાઉ જ કામધંધાની શોધમાં સુરત આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાય ગયા હતા.

(5:23 pm IST)