ગુજરાત
News of Wednesday, 25th November 2020

મારી રાજકીય કારકિર્દીમાં અહેમદભાઇનો મોટો ફાળોઃ ધીરજતા+ ગંભીરતા= સફળતાનો જીવનમંત્ર આપેલઃ હાર્દિક પટેલ

૨૦૧૯ના ચૂંટણી પ્રચાર વખતે દિલ્હીમાં અહેમદભાઇએ મને તેમના ઘેર બોલાવી ખીચડી-કઢી ખવડાવી હતી

ગાંધીનગર, તા.૨૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભા સાંસદ અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. અહેમદ પટેલ ઓકટોબરથી કોરોના સામે લડતા હતા, પરંતુ આજે સવારે ૩.૩૦ વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અહેમદ પટેલ સાથેનાં સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે અહેમદ પટેલે મને એક જીવનમંત્ર આપ્યો હતો કે ધીરજતા+ગંભીરતા=સફળતા.

હાર્દિક પટેલે અહેમદ પટેલ સાથેની મુલાકાતો વાગોળતાં કહ્યું હતું કે ૨૦૧૯ના ચૂંટણીમાં હું પ્રચાર કરી રહ્યો હતો, એ દરમિયાન મને બહારનું જમવાનું ના ફાવતું હોવાથી હું ઘેરથી થેપલાં જેવો નાસ્તો લઈને જતો હતો, જેની જાણ અહેમદભાઈને થઈ તો તેમણે મને દિલ્હી તેમના ઘેર બોલાવીને મને ખીચડી-કઢી ખવડાવી હતી.

હું જયારે કોંગ્રેસ સાથે જોડાયો એ પહેલાંની મુલાકાતમાં અહેમદ પટેલે મને કહ્યું હતું કે સમાજ માટે સત્તા અને પદ વિના પણ આટલી લડાઈ લડી રહ્યો છે, તો રાજકારણમાં આવ્યો તો સમાજ માટે વધુ સારી લડત આપી શકે છે. અહેમદ પટેલના જવાથી ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડ સાથેના સંપર્કમાં ગેપ પડી શકે છે, અહેમદ પટેલની જગ્યા ભરવી ઘણી અઘરી છે.

(3:06 pm IST)