ગુજરાત
News of Wednesday, 25th November 2020

નાગરિકોને સાચી માહિતી પહોંચાડવાની અને ગેરસમજો દૂર કરવાની જવાબદારી મીડિયાની

રાષ્ટ્રીય પ્રેસ-ડે અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી - ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ દ્વારા મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો વિશે વેબીનાર : કોરોનાની મહામારીથી બચવા માટે મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે : પુલક ત્રિવેદી

રાજકોટ તા. ૨૫ :ગુજરાત પ્રેસ અકાદમી,ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટના સંયુકત ઉપક્રમ 'રાષ્ટ્રીયપ્રેસ ડે'અંતર્ગત'કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો' વિષય પરGoogle Meetના માધ્યમથી વેબિનાર યોજાયો હતો.

મુખ્ય વકતા તરીકે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર,ખ્યાતિ પ્રાપ્ત લેખક અને જાણીતા કોલમિસ્ટ શ્રી ભવેન કચ્છીએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો વિષય ઉપર જણાવ્યું હતું કે, 'પ્રિન્ટ મીડિયા હોય કે સરકારી મિડિયા(માહિતી ખાતુ) બંનેની કામગીરી નાગરિકોને સાચી માહિતી પહોંચાડવાની અને નાગરિકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવાની છે. હાલમાં સોશિયલ મીડિયામાં અનેક વાર ફેલાતી અફવા અને ખોટી માહિતીને પણ અટકાવવામાં આપણી સવિશેષ ભૂમિકા છે.'

શ્રી ભવેન કચ્છીએ કહ્યું હતું કે,સૈકા બાદ કોરોના જેવી મહામારીમાં વિશ્વ ઝડપાયું છે. ત્યારે આ મહામારી સામે ઝઝૂમવા,તેમાંથીઉગરવા અને આગળ વધવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રેષ્ઠ કોમ્યુનિકેશન (પ્રચાર પ્રસાર)ની કળા દ્વારા લોકોને કોરોનાની મહામારી સામે જાગૃત કરી પ્રજાને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડયું હતું.વડાપ્રધાનની જેમ જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સુચારૂ અને આયોજનબધ્ધ રીતે કોરોનાની મહામારીને કાબુમાં રાખવાના પ્રયાસો કરી ગુજરાતને વિકાસપંથ ઉપર આગળ લઇ જવાના ઉમદા પ્રયાસો કર્યા છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સી-એમ ડેશબોર્ડના માધ્યમ દ્વારા સીધો જનસંપર્ક સાધીને લોકોની કોરોના સંબંધી જાણકારી મેળવી,દર્દીઓના આરોગ્યની પૃચ્છા કરીને તેમને હુંફ આપી છે. તેમજ મીડિયાના માધ્યમથી કોરોના વોરીયર્સ એવા ડોકટર્સ,પોલીસ કર્મીઓ,સફાઈ કર્મીઓની કાબિલે-દાદ કામગીરી આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડીને તેમને કોરોના સામે લડાઈ લડવાની સકારાત્મકતા પુરી પાડી છે. અમેરિકાઅનેયુરોપ જેવા વિકસિત દેશો પાસે આપત્તિ નિવારણની સજજતા,શોધ,ઇન્ફાસ્ટ્રકચર ખૂબ વિકસ્યું છે. તેની વચ્ચે ભારતે ટાંચા-મર્યાદિત સાધનો સાથે વિશ્વને પ્રેરણા લેવી પડે તેવું સરાહનીય કાર્ય કર્યું છે તેમ શ્રીભવેન કચ્છીએ ઉમેર્યુ હતું.

ગુજરાત પ્રેસ અકાદમી,ગાંધીનગરના સચિવ અને અધિક માહિતી નિયામકશ્રી પુલક ત્રિવેદીએ વેબિનારમાં ઉપસ્થિત તમામને 'વિશ્વ પ્રેસ ડે'ની શુભકામના પાઠવી અકાદમીની કામગીરીની આછેરી ઝલક આપી કહ્યું હતું કે,કોરોનાની મહામારીથી બચવા માટે મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે. મીડિયા અને માહિતીખા તાના કર્મયોગીઓ દ્વારા વારંવાર લોકોને હેમર (વારંવાર) ટેકનીકથી સોશ્યિલ ડિસ્ટન્સ,માસ્ક,કોરોના ટેસ્ટ વગેરે વિશે સતતને સતત જાગૃત કરવામાં આવી રહયા છે. સાથે સાથ આપણે મીડિયા કર્મીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છીએ. આ માટે આપણી અંદર જવાબદારી, જાગૃતતા, જાણકારી, જિજ્ઞાસા,જહેમત-મહેનત અને ઝનૂન હોવુ અનિવાર્ય છે. તો જ આપણે સાચા અને હકારાત્મક વિચારો લોકો સુધી પહોચાડી શકીશું અને લોકોને પ્રેરિત કરી શકીશું.

આ પ્રસંગે એસ. એમ. બુંબડીયા,સંયુકત માહિતી નિયામક – રાજકોટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વેબિનારનું સંચાલન નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોષીએ કર્યું હતું.સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા અને શ્રી નરેશભાઇ મહેતાએ વેબિનારનું સંકલન કર્યું હતું. આભાર વિધિ સિનિયર સબ એડિટર પારૂલબેન આડેસરાએ કરી હતી. આ વેબીનારમાં રાજકોટ રીજિયન-જિલ્લાના પત્રકારો,માહિતી પરિવારના કર્મયોગીઓ તથા અનેક લોકો ઓનલાઇન જોડાઇને રસપ્રદ માહિતીથી લાભાન્વિત થયા હતા.

(2:37 pm IST)