ગુજરાત
News of Wednesday, 25th November 2020

બોલો! ભગવાનનાં લગ્ન અટવાયાં

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહ ઉત્સવ મોકૂફ રખાયો

મુંબઇ,તા. ૨૫: ગુજરાતમાં કોરોનાના કારણે આ વર્ષે ભગવાનનાં પણ લગ્ન અટવાઈ ગયાં છે. વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ શામળાજીમાં પહેલી વાર તુલસી વિવાહ ઉત્સવ મોકૂફ રખાયો છે. જોકે સીમિત મહેમાનો એટલે કે પૂજારી અને મુખિયાજીની હાજરીમાં શામળાજી મંદિરમાં તુલસી વિવાહની વિધિ યોજાશે.

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાએ માથું ઊંચકયું છે અને કેસ વધી ગયા છે ત્યારે અમદાવાદમાં બે દિવસ કરફ્યુ રાખવો પડ્યો હતો એટલું જ નહીં, કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સત્તાવાળાઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ અમલી બનાવ્યો છે. સત્તાવાળાઓ દ્વારા રાત્રે થતાં લગ્નને મંજૂરી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગુરુવારે તુલસી વિવાહ છે ત્યારે કોરોનાના કારણે આ વર્ષે નાનાં-મોટાં મંદિરોના પ્રાંગણમાં ભાવિકોની હાજરીમાં ધામધૂમથી યોજાતો તુલસી વિવાહ ઉત્સવ નહીં થઈ શકે.

વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ શામળાજીમાં આવેલા શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે કહ્યું હતું કે 'કોરોનાના કારણે આ વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ઊજવવામાં આવતો કારતકી મેળો તથા તુલસી વિવાહ ઉત્સવ યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. દર વર્ષે શામળાજી મંદિરના ચોકમાં ભગવાન શામળિયાજી અને તુલસી માતાજીનાં લગ્ન થતાં આવ્યાં છે. કન્યા પક્ષ અને વર પક્ષવાળા આવતા, મામેરું ભરાય અને ઉત્સાહપૂર્વક લગ્ન થતાં હતાં; પરંતુ કોરોનાના કારણે પહેલી વાર એવું બનશે કે ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાતા તુલસી વિવાહનો ઉત્સવ આ વર્ષે ૨૬ નવેમ્બર, ગુરુવારે નહીં યોજાય. પરંતુ મંદિરની અંદર બંધબારણે સાદગીથી તુલસી વિવાહની લગ્નવિધિ પૂજારી અને મુખિયાજીની હાજરીમાં કરવામાં આવશે.'

બીજી તરફ વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘરેબેઠાં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તુલસી વિવાહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે ભાવિકો ભાલકા તીર્થમાં તુલસી વિવાહમાં જોડાઈ શકે તેમ ન હોવાથી ભાવિકો માટે તા. ૨૫-૧૧-૨૦૨૦ના સાંજે પાંચ થી ૬-૩૦ વાગ્યા દરમ્યાન તુલસી વિવાહ પૂજાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી જે નાગરિકોને દ્યરેબેઠાં તુલસી વિવાહ પૂજામાં જોડાવું હોય તે જોડાઈ શકે છે.

(9:57 am IST)