ગુજરાત
News of Monday, 25th October 2021

ગતિશીલ ગુજરાત ? : શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણતાના આરે છતાં હજારો શાળાઓનું ફીનું માળખુ અનિશ્ચિત

મોટાભાગની શાળાઓએ ફી માળખાની દરખાસ્ત મુજબ ફી લઇ લીધી : વાલી-શાળા સંચાલકો વચ્ચે અવાર-નવાર ટકરાવ : રાજ્ય સરકાર 'ફી' બાબતે ઉદાસીન

રાજકોટ તા. ૨૫ : ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં 'ફી'નું નિયમન કરવા ગુજરાત સરકારે ફી નિયમન કમિટિ બનાવી છે પરંતુ હજુ સુધી અસરકારક કામગીરી ન થતા વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે સતત ટકરાવ થતો રહે છે.

સૌરાષ્ટ્ર ઝોનની ૬ હજાર ખાનગી શાળાઓની ફીની દરખાસ્ત પેન્ડીંગ છે. ગુજરાત રાજ્ય ૧૬ હજાર ખાનગી શાળાઓએ હાલ ફી વધારાની દરખાસ્તને અનુરૂપ વાલી પાસેથી ફી વસુલી છે. જો ફી ઓછી મંજૂર થશે તો આગામી વર્ષ કે સત્રમાં સરભર કરી આપવામાં આવશે.

શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થવાના આરે છે ત્યારે હજુ સુધી શાળાઓની ફી નક્કી થઇ ન હોવાનું જાણવા મળે છે. ફી કમિટિ દ્વારા શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવી લીધા બાદ કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ હજુ સુધી ફીના ઓર્ડર કરવામાં આવ્યા ન હોઇ શાળાઓ પોતાની રીતે જ વધારેલી ફી વસૂલી રહી છે. જેમાં અનેક શાળાઓએ તો પ્રથમ સત્ર પૂર્ણ થવા સુધીમાં સમગ્ર વર્ષની ફી વસૂલી લીધી છે. બીજા સત્રમાં શાળાઓની ફી નક્કી થાય તો પણ વાલીઓને આ વર્ષે હવે રાહત મળે તેમ લાગતું નથી. જો ફી ઓછી નક્કી થશે તો પણ શાળાઓ ત્યાર પછીના વર્ષે સરભર કરશે. રાજ્યમાં નવા સત્રના પ્રારંભ સાથે જ શાળાઓની ફી નક્કી કરવા માટે શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. જેમાં શાળાઓએ કોરોનાના કારણે એક વર્ષ ફીમાં થયેલા નુકસાન સરભર કરવા માટે આ વખતે ૨૦ ટકાથી લઇને ૬૦ ટકા જેટલો જંગી વધારો માંગી દરખાસ્ત મોકલી આપી હતી. આ દરખાસ્ત મોકલ્યા બાદ શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓને પણ સ્કૂલની ફી વધારા સાથે ભરવાની રહેશે તેવી જાહેરાત કરી તે મુજબ ફી વસૂલવાની શરૂઆત કરી હતી. બીજી બાજુ ફી કમિટિ દ્વારા દરખાસ્ત મળ્યા બાદ હજુ સુધી શાળાઓની ફી નક્કી કરી શકી નથી. જેનો સૌથી મોટું નુકસાન વાલીઓને થઇ રહ્યું છે. શાળાઓમાં હાલમાં પ્રથમ કસોટી ચાલી રહી છે અને તે પણ હવે પૂર્ણ થવાના આરે છે. પ્રથમ કસોટી પૂર્ણ થયા બાદ દિવાળી વેકેશન પડશે. આમ, શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થવાના આરે છે ત્યારે હજુ સુધી શાળાઓની ફી જ નક્કી થઇ શકી ન હોઇ શાળાઓએ પોતાની રીતે વધારેલી ફી વસૂલી લીધી છે.

(3:49 pm IST)