ગુજરાત
News of Sunday, 25th October 2020

વલસાડના યુવાનને મળ્યું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

બે વર્ષમાં તેમણે અધધ કહી શકાય એટલા 12 હજારથી વધુ પ્રકારના જુદા જુદા માચિસના બોક્સ એકત્ર કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના યુવાન સમીર આર્યને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન તેમણે કલેક્ટ કરેલા માચિસના બોક્સના કારણે મળ્યું છે. સામાન્ય રીતે લોકો જૂના નવા સિક્કા, સ્ટેમ્પ વગેરે કલેક્ટ કરે છે, પરંતુ વલસાડના સમીર આર્યએ માચિસના બોક્સ એકત્ર કરવાનું શરૂ કર્યું અને બે વર્ષમાં તેમણે અધધ કહી શકાય એટલા 12 હજારથી વધુ પ્રકારના જુદા જુદા માચિસના બોક્સ એકત્ર કરી લીધા છે. જેના કારણે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંકિત થયું છે.

વલસાડના હાલર વિસ્તારમાં રહેતા સમીર આર્યને માચિસનું કલેક્શન કરવાનું સુઝ્યું અને તેમણે તેને એકત્ર કરવાની શરૂઆત કરી હતી. પહેલાં સ્થાનિક કક્ષાએથી તેમણે બોક્સ એકત્ર કર્યા ત્યારબાદ ભારતના જુદા જુદા રાજ્યમાંથી તેમણે આ બોક્સ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. અન્ય રાજ્યોમાંથી બોક્સ એકત્ર કરવામાં તેમને ફેઇસબુકનું ગૃપ કામ લાગ્યું અને તેમને આ બોક્સ ભેગા કરવાની કવાયતને વેગ મળ્યો હતો. તેમના આ શોખની જાણ તેમના વિદેશમાં રહેતા સગા સંબંધિઓને પણ થતાં તેઓ પણ તેમના આ શોખમાં સહભાગી ગયા અને વિદેશમાંથી જાત જાતની અને ભાત ભાતની માચિસના બોક્સ મોકલ્યા હતા. જેના કારણે આજે સમીર આર્ય પાસે 1 ઇંચની પણ માચીસ છે અને 15 ઇંચની પણ માચિસ છે. તેમની પાસે માચિસના કાગળના પણ બોક્સ છે, લાકડાના પણ બોક્સ છે અને પ્લાસ્ટિકના પણ બોક્સ છે. આ બોક્સ નાના થી લઇ મોટા, ચોરસ થી લઇ ગોળ અને ચિત્ર વિચિત્ર આકાર અને સાઇઝના છે. તેમજ તેમણે પૌરાણિક દેવી દેવતાથી લઇ આધુનિક જમાનાના હીરો હિરોઇનના ચિત્રો વાળા બોક્સ એકત્ર કર્યા છે. અભિનેતા જ નહી, પરંતુ નેતાના ચિત્રો, રમત ગમત, પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલ તેમજ જુદી જુદી થીમના બોક્સ તેમની પાસે છે.

તેમને માચિસના બોક્સનું એટલું ઘેલું ચઢ્યું કે, તેઓ માચિસની પ્રતિકૃતિ વાળા ચશ્મા, બોલપેન, પઝલ ગેમ વગેરે પણ તેમણે એકત્ર કર્યું છે. તેમના આ શોખમાં તેમને પરિવારનો પણ એટલો જ સાથ સહકાર મળ્યો જેના કારણે તેઓ રેકોર્ડ બનાવવામાં સફળ થઇ શક્યા છે.

(5:03 pm IST)