ગુજરાત
News of Sunday, 25th October 2020

લગ્ન અને દુઃખદ પ્રસંગો જેવા સામાજિક મેળાવડામાં ૧૦૦ને બદલે ૨૦૦ વ્યકિતની છૂટ આપવા ગુજરાત વ્યાપારી મહામંડળની મુખ્યમંત્રીને રજૂઆતઃ કેટરીંગ મંડળ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ અને હોટલ-રેસ્ટોરન્ટ જેવા વેપાર-ધંધાઓને પડી રહેલો માર દૂર કરવા છૂટ આપવી જરૂરી

અમદાવાદ: કેટરીંગ, મંડપ સર્વિસ, સાઉન્ડ સીસ્ટમ તેમજ અમુક હોટલ રેસ્ટોરન્ટ જેવા ધંધાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓના જીવન નિર્વાહ માટે 100ના સ્થાને 200 વ્યક્તિઓ સુધીની મર્યાદા કરવાની છૂટ આપવા માટે ગુજરાત વેપારી મહામંડળે ( GCCI ) ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

ગુજરાત ચેમ્બર એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI ) ના પ્રમુખ નટુભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ઓક્ટોબરના રોજ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ વગેરે માટે 1લી સપ્ટેમ્બરના રોજ જાહેરનામાંથી નિયત કરવામાં આવેલા 100 વ્યક્તિઓની મર્યાદા તા. 15મી ઓક્ટોબર સુધી યથાવત રાખવામાં આવી છે. ત્યાર પછીની માર્ગદર્શિકાઓ ગૃહ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, લોકડાઉન અને કોરોના મહામારીના કારણે વેપાર/ ઉદ્યોગને ખૂબ જ મંદીનો સામનો કરવો પડ્યો છે. આમ પણ ખાસ કરીને લગ્ન મરણનાં પ્રસગો સાથે ખાસ સંકળાયેલા ધંધાઓ જેવાં કે કેટરીંગ, મંડપ સર્વિસ, સાઉન્ડ સિસ્ટમ તેમજ અમુક હોટલ રેસ્ટોરન્ટ જેવાં ધંધાઓને ખૂબ જ માઠી અસર પડી છે.

આ ધંધાઓ મોટા પ્રમાણમાં રોજગારી આપનારી હોવાથી તેની સાથે જોડાયેલા વ્યક્તિઓને તેમના જીવન નિર્વાહમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. 30/9/2020ના કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્રારા બહાર પાડેલી માર્ગદર્શિકાઓમાં તા. 15મી ઓક્ટોબર પછી સામાજીક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવત્તિઓ વગેરે માટે 200 વ્યક્તિઓ સુધીની મર્યાદા કરી શકવાની છૂટ રાજ્ય સરકારોને આપવામાં આવી છે. તેથી ઉપરોક્ત પ્રવૃત્તિઓ માટે જો 15મી ઓક્ટોબર પછી રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકામાં લગ્ન મરણ પ્રસંગમાં 200 વ્યક્તિઓ સુધીની છૂટ જાહેર કરવામાં આવે તો નાના મોટા વેપાર/ ધંધાઓને ખૂબ મોટું પ્રોત્સાહન મળી રહશે. જેથી વહેલીતકે આ જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં લોકડાઉન બાદ હવે અનલોક પણ કરી દેવામાં આવ્યું છે. જેમાં અનેક ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે. ત્યાં સુધી કે સિનેમાગૃહોને પણ છૂટ આપી દેવામાં આવી છે. જો કે વ્યક્તિઓની મર્યાદાના કારણે સાઉન્ડ, કેટરીંગ, મંડપ સર્વિસ સહિતના ધંધા પુરી રીતે શરૂ થઈ શક્યાં નથી.

(5:18 pm IST)