ગુજરાત
News of Saturday, 25th September 2021

વડોદરામાં ઉછીના પૈસા પરત માંગતા વેપારીને પિતા-પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં ઉછીના ત્રણ લાખ પરત માંગતા વેપારીને પિતા-પુત્રએ ટાટીયા તોડી નાખવાની ધમકી આપવા અંગેનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી દાજીનગર સોસાયટીમાં રહેતા રવિ દેવજાણી બ્રેડ ટ્રેડર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છ મહિના અગાઉ તેમણે વારસિયા વિસ્તારમાં રહેતા સુમિત કૈલાશ લાલવાણીને બે મહિનાના વાયદે હાથ ઉછીના ટુકડે-ટુકડે 03 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.  સિક્યુરીટી પેટે કોરા ચેક જમા લીધા હતા. વારંવાર રૂપિયાની માગણી કરવા છતાં રકમ પરત નહીં કરતા ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. આ અંગેની જાણ સુમિત લાલવાણી તથા તેના પિતા કૈલાશ લાલવાણીને થતાં પિતા-પુત્ર અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરી ધમકી આપતા હતા. ગઈકાલે વધુ એક ધમકી આપતાં જણાવ્યું હતું કે બેંકમાં ચેક જમા કેમ કરાવ્યો  તને પૈસા નહીં મળે અને અમારા ઘરે આવીશ તો ટાટીયા તોડી નાખીશું. તેવી ફરિયાદના આધારે પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:26 pm IST)