ગુજરાત
News of Saturday, 25th September 2021

અમદાવાદના મણીનગરની એલ.જી. હોસ્‍પિટલના લેબર વોર્ડમાં નવજાત બાળકને મુકી ગયા બાદ ભાગી ગયેલ માતા ત્રીજા દિવસે હોસ્‍પિટલ આવી

સીસીટીવી ફુટેજ વાયરલ થતા પડોશીઓએ જાણ કરતા મહિલા હોસ્‍પિટલે પહોંચતા અટકાયત

અમદાવાદ: મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના લેબર વૉર્ડમાં ગત 20 સપ્ટેમ્બરના રોજ નવજાત બાળકને મુકી તેની માતા ભાગી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં હોસ્પિટલમાં પોતાના બાળકને લેવા માટે માતા આવી પહોંચી હતી. ત્રણ દિવસ અગાઉ તે CTM પાસે ફળ લેવા માટે ગઈ હતી. ત્યા બે દિવસ સુધી બેભાન રહ્યા બાદ ભાન આવતા બાળકની યાદ આવી, તેથી તે હોસ્પિટલ પરત આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગત 20 સપ્ટેમ્બરે શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 16મી સપ્ટેમ્બરે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલા દાખલ થઈ હતી. આ દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આસપાસમાં મહિલાની શોધખોળ કરતા મહિલાની કોઈ ભાળ મળી ન હતી.

અંતે હોસ્પિટલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા CCTV જોઈ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં પોતાનું સરનામું રામોલ જનતાનગર હોવાની જણાવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી. પોલીસે આસપાસમાં વિસ્તારમાં મહિલાને શોધવા અને CCTVની મદદથી તેને શોધવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ મહિલાના CCTV વાયરલ થતાં પડોશીઓએ આ અંગે મહિલાને જાણ કરતા તે હોસ્પિટલ આવી હતી. આ મામલે મણિનગર પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ આદરી છે.

(5:05 pm IST)