ગુજરાત
News of Friday, 24th September 2021

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા હોદ્દેદારોની પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઇ

નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવૃતિઓ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી : બે માનદ્દ મંત્રીઓ તથા ખજાનચીની નિમણૂંક કરાઇ

ગાંધીનગર :ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI )ના નવા વરાયેલા હોદ્દેદારોની આજે પ્રથમ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સને 2021-22 માટે બે માનદ્દ મંત્રીઓ અને માનદ્દ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ બેઠકમાં નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવૃતિઓ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આજની કારોબારીની મીટીંગમાં બે માનદ્દ મંત્રીઓ તરીકે 1. સચિન પટેલ ( સ્થાનિક ) , અને મહેશ પૂંજ ( રિજિયોનલ – ગાંધીધામ ) તથા માનદ્દ ખજાનચી નવરોઝ તારાપોરની નિમણૂંક કરાઇ હતી. અગાઉ જીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભાના સમાપન બાદ વર્ષ 2021-22ના હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં હેંમત શાહે નવા પ્રમુખ તરીકે પદગ્રહણ કર્યા હતા. તે જ રીતે સીનીયર ઉપપ્રમુખ તરીકેનો પથિક પટવારીએ કાર્યભાર સંભાળ્યો હતો. તો સંજીવ છાજરે નવા ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ તમામ નવા હોદ્દેદારોની આજે પ્રથમ કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં નવા હોદ્દેદારોએ ચેમ્બરની પ્રવુત્તિઓ માટે પ્રતિબધ્ધ રહેવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI )ની 25 બેઠકોની ચૂંટણી 18મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. પરંતુ ઉમેદવારી પત્રોની ચકાસણી તથા પરત ખેંચવાના છેલ્લાં દિવસે નવ ( 9 ) ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પાછાં ખેંચતા 22 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. બાકીની ત્રણ બેઠકો કો-ઓપ્ટ સભ્યોથી ભરવામાં આવશે.

(12:41 am IST)