ગુજરાત
News of Tuesday, 25th September 2018

ખેડા તાલુકામાં દહેજની માંગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા: તાલુકાના ચિત્રાસરની પરિણીતાને દહેજની માંગણી કરી તેમજ ચારિત્ર્ય અંગે મેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના ચિત્રાસરમાં રહેતા રામજીભાઈ સોમાભાઈ ઠાકોરના લગ્ન એક વર્ષ પહેલાં મહીજમાં રહેતી મનીષાબેન સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં પતિ-પત્નીનું લગ્ન જીવન સુખરૂપ રહ્યું હતું. પરંતુ લગ્નના થોડા સમય બાદ મનીષાબેનને એપેન્ડીક્સનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. જેનો ખર્ચ સાસરિયાઓએ કર્યો હતો. જેને લઈ ગત તા.૨૩-૩-૧૮ના રોજ પતિ તેમજ સાસુ સસરાએ પરિણીતા પાસે દહેજની માંગણી કરી હતી. તેમજ એપેન્ડીક્સના ઓપરેશનનો રૂપિયા ૭૦,૦૦૦ ખર્ચ થયેલ છે જે પૈસા પિયરમાંથી લઈ આવવાની માંગણી કરી મહેણાં ટોણાં મારવામાં આવ્યા હતા એટલું જ નહીં પત્ની ગર્ભવતી હોઈ પતિ રામજીભાઈએ તારા પેટમાં જે ગર્ભ છે તે મારો નથી કહી ચારિત્ર્ય ઉપર ખોટો વ્હેમ રાખી શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ ત્રાસ સહન ન થતાં પરિણીતાએ પિયરની વાટ પકડી હતી. 
આ બનાવ અંગે મનીષાબેનની ફરિયાદને આધારે રામજીભાઈ સોમાભાઈ, સોમાભાઈ વાઘજીભાઈ, જશીબેન સોમાભાઈ ઠાકોર તથા રમેશ મેહાન ચૌહાણ તેમજ વાઘજી મોહનભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)