ગુજરાત
News of Tuesday, 25th September 2018

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પીપળી ગામમાં ગણેશ મહોત્‍સવની વિસર્જન યાત્રામાં બઘડાટીઃ મસ્‍જીદ ઉપર પથ્થરમારોઃ ચુસ્‍ત બંદોબસ્ત

વડોદરા/આણંદઃ ગણપતિ વિસર્જન દરમિયાન ડીજે મ્યુઝિક વગાડવા મામલે આણંદના બોરસદ તાલુકાના પિપળી ગામ ખાતે નાની અમથી બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ પકડી લેતા બે ધર્મના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ગામમાં આવેલ મસ્જિદ પાસેના રસ્તા પરથી ગણપતિ વિસર્જન માટે જતા ગણેશ ભક્તો ડીજે વગાડતા હતા અને ફટાકડા ફોડતા હોવાની બાબતે બોલાચાલી બાદ બંને તરફથી એકબીજા પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગામમાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી.

સવારથી ગામમાં જુદા જુદા ગણેશ મંડળની રવાડી નીકળી રહી હતી. જે સવારના ભાગે બે રવાડી નીકળી હતી પરંતુ તે દરમિયાન કોઈ વિવાદ થયો નહોતો. જ્યારે બપોરે દરબાર જાતિના યુવાનોએ ગણપતિ વિસર્જન માટે રવાડી કાઢી ત્યારે મસ્જિદ બહાર ઉભેલા મુસ્લિમ સમાજના કેટલાક યુવાનો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ વિવાદ વકરતા કેટલાક લોકોએ મસ્જિદ પર પણ પથ્થર મારો કર્યો હતો. જે પછી તોફાન ફાટી નીકળ્યા હતા.

શોભાયાત્રા સાથે રહેલા પોલીસે બંને તરફના જૂથને શાંત પાડવા અને સ્થિતિને થાડે પાડવા માટે પ્રયાસ કર્યા હતા જોકે ઉશ્કેરાયેલ બંને જૂથ શાંત પડતા તેમણે જિલ્લા કંટ્રોલ રુમ અને ભદ્રન પોલીસને ઘટનાની જાણ કરી હતી. પથ્થરમારાની ઘટના બપોરે 12 વાગ્યા આસપાસ શરુ થઈ હતી જે લગભગ અડધી કલાક સુધી ચાલી હતી. જે બાદ ઘટનાસ્થળે પહોંચી ગયેલ લોકલ ક્રાઇમ બ્રાંચ, SOG અને વધારાના પોલીસ કાફલાએ સ્થિતિને થાડે પાડી હતી. જે બાદ પોલીસે ગામમાં માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યું હતું અને કેટલાક તોફાની તત્વોની ધરપકડ પણ કરી હતી.

મધ્યરાત્રી સુધી પોલીસે મામલે ફોર્મલ કમ્પ્લેઇન નોંધી હતી. ઉલ્લેખનીય છે કે ગામમાં પહેલા પણ બંને જાતિના લોકો વચ્ચે અણબનાવ બની ગયા છે. ઉપરાંત બોરસદના વડેલી ગામમાં પણ દરબાર અને પટેલ જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે પાછળથી મામલે સમાધાન થઈ ગયું હતું.

(5:02 pm IST)