ગુજરાત
News of Sunday, 25th August 2019

છોટા ઉદયપુરના પાવી જેતપુરમા પોલીસ પર હુમલો : જુગારધામ ઉપર દરોડા કરવા ગયેલ

છોટાઉદેપુર: છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ગામે જુગારધામ ઉપર રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પાવીજેતપુર પોલીસને ગામની મોટી બજાર વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવા અંગેની મળેલ બાતમીના આધારે રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. 

પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ખાનગી ગાડી લઇ રેડ કરવા ગયેલ પાવીજેતપુરનાં પી.એસ.આઈ અને કોન્સ્ટેબલ ઉપર જુગારીયાઓએ એક સંપ થઇને પથ્થર મારો કરેલ અને પોલીસની ખાનગી કારના કાંચ તોડી નાખેલ સાથે પી.એસ.આઈ સહિત કોન્સ્ટેબલને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સ્થાનિક પત્રકાર સહીત કેટલાક લોકો પોલીસે મથકે પહોંચ્યા હતા.

ફરીથી કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પી.એસ.આઈ સહિત કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો હોવાથી આ અંગે પોલીસે બાર જેટલા શખ્સો સામે નામ જોગ સહિત 100થી 150 જેટલા લોકો સામે એટ્રોસિટી સહીત સરકારી કામમાં રુકાવટ અને હુમલા અંગેની ફરિયાદ નોધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે પાવીજેતપુર ખાતે પોલીસના ધાડા ઉતારી દેવાયા છે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ઘટનામાં મધ્યસ્થી કરવા ગયેલ એક અખબારના પ્રતિનિધિનાં નામનો પણ પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કરાતા અને જન્માષ્ટમીના તહેવાર સમયે લોકોને પોલીસ ખોટી રીતે હેરાન કરાતા હોવાના આરોપ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

(10:21 pm IST)