ગુજરાત
News of Sunday, 25th July 2021

સોમવારથી રાજ્યની ધોરણ-9થી 11ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે

છેલ્લાં દોઢેક વર્ષથી સન્નાટામાં ફેરવાયેલા વર્ગો વિદ્યાર્થીઓના કીલકીલાટથી ગુંજી ઉઠશે

અમદાવાદ : રાજ્ય સરકારના નિર્ણય બાદ હવે સોમવારથી રાજ્યની ધોરણ-9થી 11ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. મોટાભાગની શાળાઓ પાસે વાલીઓની સંમતિ આવી ચુકી છે અને શાળાઓએ અભ્યાસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

 રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયા બાદ 50માં દિવસે સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે. આ શાળાઓ શરૂ થતાં છેલ્લાં દોઢેક વર્ષથી સન્નાટામાં ફેરવાયેલા વર્ગો વિદ્યાર્થીઓના કીલકીલાટથી ગુંજી ઉઠશે અને શાળાઓનો ધમધમાટ શરૂ થઇ જશે. 50 ટકા ક્ષમતા સાથે સ્કૂલો શરૂ કરવામાં આવનારી હોવાથી શાળાઓ ઓડ-ઈવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન કરી રહી છે. સ્કૂલો દ્વારા લાંબા સમયથી બંધ વર્ગખંડોનું સેનિટાઈઝેશન કરી દીધું હોવાનું પણ જાણવા મળે છે.

રાજ્યમાં કોરોનાના કેસોના પગલે 7 જૂનથી શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ કોરોનાના કેસોના પગલે સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ધીમેધીમે કોરોનાના કેસો ઘટવા લાગતા રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમ ધોરણ-12માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સંચાલકો દ્વારા ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. જેને લઈને સરકાર દ્વારા છેવટે 26 જુલાઈથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. આમ, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાના 50માં દિવસે 50 ટકા ક્ષમતા સાથે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે મંજુરી મળતા શાળાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણ માટે વાલીઓની સંમતિ મેળવ્યા બાદ જ વિદ્યાર્થીઓને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી સંમતિ મેળવી લીધી હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત શાળાઓના વર્ગખંડ સેનિટાઈઝ કરવા સહિતની તમામ માર્ગદર્શિકાના પાલન સાથે પ્રત્યક્ષ વર્ગો શરૂ કરાશે.

સરકાર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે સ્કૂલો શરૂ કરવા માટેની મંજુરી આપી છે. જેને લઈને સ્કૂલોએ ઓડ-ઈવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાનું આયોજન કર્યું છે. જેમાં ઓડ નંબરના વિદ્યાર્થીઓને સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ જ્યારે ઈવન નંબરના વિદ્યાર્થીઓને મંગળવાર, ગૂરૂવાર અને શનિવારના રોજ સ્કૂલે બોલાવવામાં આવશે. ઉપરાંત જે વાલીઓએ બાળકોને સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે મોકલવા માંગતા નથી તેમના માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ધોરણ-9થી 11ની 12855 જેટલી સ્કૂલો આવેલી છે. જેમાં 1567 સરકારી સ્કૂલો, 5558 ગ્રાન્ટેડ સ્કૂલો અને 5730 ખાનગી સ્કૂલોનો સમાવેશ થાય છે. આ સ્કૂલોમાં મળી ધોરણ-9થી 11ના અંદાજે 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થવાનો છે. જોકે, શરૂઆતમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જણાશે પરંતુ આગળ જતા આ આંકડો ઉંચો જાય તેવી શક્યતા છે.

(7:26 pm IST)