ગુજરાત
News of Sunday, 25th July 2021

શહેરા પાસે મોપેડને બચાવવા જતાં કારચાલકનું મોત નિપજ્યું

બિઝનેસમેન જમીન જોવા ઉત્તરાખંડ ગયા હતા : મોપેડને બચાવવા જતાં કાર રોડ સાઈડની રેલિંગને ભટકાઈ અને કારનું બોનેટ ચીરીને આરપાર નીકળી ગઈ

વડોદરા, તા.૨૫ : શહેરના ૫૨ વર્ષિય બિઝનેસમેન જમીન જોવા માટે ઉત્તરાખંડ ગયા હતા જ્યાં પંચમહાલના શહેરા પાસે અકસ્માત નડતા મોતને ભેટ્યા હતા. ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલકને બચાવવા જતાં કાર રોડની સાઇડ રેલિંગમાં ભટકાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ૩૦ ફૂટ લાંબી રેલિંગ કારનું બોનેટ ચીરીને આરપાર નીકળી ગઇ હતી. જેમાં બિઝનેસમેનનું મોત થયું હતું. જોકે આશ્ચર્યની વાત છે કે મૃતકના શરીરે માત્ર ઘસરકો પડ્યો હતો. અન્ય કોઇ ઇજા હતી તેમ છતાં મોત થતાં પ્રથામિક તારણ ગભરામણથી મોત થયું હોવાનું મનાઇ રહ્યું છે. અકસ્માતમાં મોપેડ ચાલકને પણ ઇજા પહોંચી હતી.

વડોદરાના વાસણા ભાયલી રોડ પર ગોવર્ધન રેસિડેન્સીમાં રહેતા પ્રણવ અશોકકુમાર શાહ ઇન્સ્યોરન્સનો વ્યવસાય કરતા હતા. ઉત્તરાખંડમાં જમીન મામલે તેઓ સ્કૂલ મિત્ર પ્રશાંત દળવી, સચિન કલુસકર અને તેમના પુત્ર સાથે દિવસ પહેલાં ઉતરાખંડ ગયા હતા. ત્યાં જમીનનું કામ પૂર્ણ થતાં પરત કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. પ્રણવ શાહના મિત્ર સચિન કલુસકર દહેરાદૂન ઊતરી ગયા હતા. વડોદરા તરફ આવતા પ્રણવ શાહ કાર ચલાવતા હતા.

દરમિયાન વહેલી સવારે શહેરા પાસે મોપેડ ચાલકે એકાએક જમણી તરફ ટર્ન લેતા તેને બચાવવા જતાં પ્રણવ શાહની કાર ડિવાઈડર સાથે ધડાકા સાથે ભટકાઈ હતી અને તેમાં કારનું ડ્રાઇવર સાઈડનું એક ટાયર તૂટીને છૂટું પડી ગયું હતું. તદુપરાંત રોડની બાજુની લોખંડની ૩૦ ફૂટની રેલિંગ ટાયરની જગ્યાએથી ઘૂસી ડિકી તોડી પાછળ ૧૦ ફૂટ સુધી આરપાર નીકળી ગઈ હતી.

અકસ્માતમાં પ્રણવ શાહને શરીરે ઘસરડો પડ્યો હતો. જ્યારે તેઓના પુત્ર અને મિત્ર પ્રશાંત દળવીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ પ્રણવ શાહ કારમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. અને મહામહેનતે પ્રણવ શાહને બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. જેમાં પ્રણવ શાહનું મૃત્યુ થયાનું સ્થળ પર હાજર મેડિકલ સ્ટાફે જાહેર કર્યું હતું.

જ્યારે અકસ્માતમાં મોપેડ ચાલક લાલાભાઈ ડોડિયાને ઇજા થઈ હતી. ઉત્તરાખંડથી પ્રણવ શાહ, તેમનો પુત્ર, મિત્ર પ્રશાંત દલવી અને સચિન કલુસકર કારમાં નીકળ્યા હતા. જ્યાં સચિન કલુસકર દહેરાદૂન ઊતરી ગયા હતા. બીજી તરફ રાતે તેમના પુત્ર અને પ્રશાંત દળવીએ કોઇ સ્થળે રોકાઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ પ્રણવ શાહે મેં ઊંઘ ખેંચી લીધી છે, હું ચલાવું છું તેમ કહી કાર હંકારવાનું નક્કી કર્યું હતું. ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.

(8:35 pm IST)