ગુજરાત
News of Sunday, 25th July 2021

આરોપી અજય દેસાઈને દાખલો બેસે તેવી કડક સજા કરાશે : સ્વીટી પટેલ હત્યા કેસમાં DGP આશિષ ભાટિયાનું નિવેદન

PI અજય દેસાઈના DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી કરાશે :જરૂરી તમામ પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરાશે

વડોદરા :સ્વિટી પટેલની હત્યા કેસ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે,વડોદરા પહોંચેલા DGP આશિષ ભાટિયાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSની  ઉમદા કામગીરીને બિરદાવી હતી. PI અજય દેસાઈને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે અજય દેસાઈએ રક્ષણ થઈને ભક્ષકનું કામ કર્યું છે. આરોપી અજય દેસાઈને દાખલો બેસે તેવી કડક સજા કરાશે. તેમણે વધુમાં કહ્યું કે PI અજય દેસાઈના DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી તમામ પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે સમગ્ર કેસમાં 49 દિવસ બાદ સ્વીટી પટેલ ગુમ થવાનો કેસ હત્યામાં બદલાઈ ગયો છે. અને ખુદ સ્વિટી પટેલના પતિ અને વડોદરા SOGમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા અજય દેસાઈએ હત્યાની વાતને સ્વિકારી લીધી છે.

જો કે, સમગ્ર કેસનો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSના હાથમાં આવ્યા બાદ નવા ખુલાસાઓ થયા હતા. PI અજય દેસાઈના ઘરના બાથરૂમમાં લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા. જે બાદ લાગી રહ્યું હતું કે, કેસ ઉકેલવાની એકદમ નજીક છે. લોહીના સેમ્પલ લઈને FSLમાં મોકલાયા હતા.

સ્વિટી પટેલની હત્યાની કબૂલાત તો, PI અજય દેસાઈએ કરી લીધી છે. અને સ્વિટી પટેલને ગળેફાંસો લગાવીને હત્યા કરી હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. જો કે, આ ઘટના પછી લાંબા સમય સુધી કોઈને પણ વાતની જાણ થઈ નહોતી. પરંતુ સ્વિટી પટેલના ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા પુત્રએ સોશિયલ મીડિયામાં અભ્યાન ચલાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે PI અજય દેસાઈ પર શંકાની સોય ફરી હતી. અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

એક રાત્રી મૃતદેહને પોતાના ઘરના બાથરૂમમાં છૂપાવી રાખ્યા બાદ બીજા દિવસની સવારે 11 કલાકે PI અજય દેસાઈએ પોતાની બ્લેક જીપનો ઉપયોગ કર્યો હતો. જીપને ઘરના ગેટ સુધી રિવર્સ લઈ મૃતદેહને બ્લેન્કેટમાં કવર કર્યા બાદ જીપની ડેકીમાં મૂકી દીધી હતી. આ બાદ ગાડીને બાજુના મકાનના કમ્પાઉન્ડમાં રાખી પોતાના સાળા જયદીપને કહ્યું કે, તેમના બહેન સ્વિટી પટેલ ગુમ થઈ ગયા છે. 

સ્વિટી પટેલના ભાઈને જાણ કર્યા બાદ અજય દેસાઈએ મૃતદેહને ઠેકાણે લગાવવાની તજવીજ હાથ ધરી હતી. આ માટે PI અજય દેસાઈએ પોતાના મિત્ર કિરીટ સિંહ જાડેજા કરજણવાળાની મદદ લીધી હતી. અને 5 જૂનની સાંજે 4 વાગ્યે કરજણ-આમોદ-વાગરાથી દહેજ હાઈ-વે પર અટાલી ગામના પાટી પાસે કિરીટસિંહ જાડેજાની બંધ હોટલ પર પહોંચ્યા હતા. આ હોટલ લાંબા સમયથી બંધ હતી. અને હોટલના પાછળના ભાગે આવેલા ખુણામાં ગાડીને લઈ મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ કેસમાં PI અજય દેસાઈની સાથે કિરીટસિંહ જાડેજાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 

કરજણના કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજા અને સ્વિટી પટેલના પતિ PI દેસાઈ વચ્ચે સારી મિત્રતા હોવાની સૂત્રોપાસેથી માહિતી હતી. અને થોડા દિવસ પહેલા પોલીસને અટાલી નજીક જે ઈમારત પાછળ બળેલા હાડકા મળ્યા હતા. તે જમીનના દસ્તાવેજની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સૂત્રોએ માહિતી જણાવી કે, તેમાં 15 જેટલા ભાગીદારો છે. અને કિરીટસિંહ પણ એક ભાગીદાર છે. 10 વર્ષ અગાઉ આ જમીન પર હોટલનું બાંધકામ શરૂ કરાયું હતું. જે પૂરું થઈ શક્યું નહોતું.

મહત્વનું છે કે વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા. દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ જગ્યાએથી આ માનવ અવશેષ મળ્યા છે. બિલ્ડિંગ પાછળથી મળી આવ્યા છે શંકાસ્પદ અવશેષ તપાસ માટે એફએસએલમાં મોકલાયા હતા. મળેલ અવશેષોનો DNA ટેસ્ટ પણ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આ અવશેષ સ્વિટી પટેલના હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી હતી. હવે અજય દેસાઈએ ગુનો કબૂલી લેતા સ્વિટી પટેલ હત્યા કેસનો અંત આવ્યો છે. જોકે હવે પુરાવાઓ એકત્રિત કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:38 pm IST)