ગુજરાત
News of Sunday, 25th July 2021

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ : બપોરે ૩ થી રાજકોટમાં બેફામ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે : રૌદ્ર સ્વરૂપ

ગિરનાર ઉપર ભારે વરસાદને કારણે ગીરનાર રોપવે બંધ કરાયો : દામોદર કુંડના પગથિયાં પાણીમાં ગરકાવ : વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ અને ટંકારામાં ૧ થી ૩ ઇંચ : છોટાઉદેપુરના નસવાડીમાં, વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ : બોડેલીમાં વહેલી સવારથી વરસાદ, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં છેલ્લી ૩૦ મિનિટથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ૩.૨૨ કલાકે બેફામ વરસાદ ચાલુ છે. જયારે વેરાવળ અને સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ અને ટંકારા પંથકમાં પણ સતત બીજા દિવસે જોરદાર વરસાદ પડ્યો છે .રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા 

ગીરનારમાં અનરાધાર વરસાદના લીધે રોપવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે તો ભારે વરસાદને કારણે દામોદર કુંડના પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી, આમરોલી, તણખલા સાથે ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છોટાઉદેપુરના કવાંટમાં નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવો ધામણી નદીમાં પૂર આવ્યું છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા ૪થી વધુ ગામનો જીલ્લા સાથે સંપર્ક કપાયો છે. સાર્વત્રિક વરસાદના લીધે નસવાડીનું હાંડલી ગામ સંપર્ક વિહોળું બની ગયું છે. મુખ્ય ગામના રોડ પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હાંડલીના ગ્રામજનોને દસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કપરાડામાં ૪ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં પાણીની આવક થઇ છે. મધુબન ડેમની સપાટી ૭૧.૩૫ મીટર પર પહોંચી છે. જ્યારે ૧૩૮૨૩ ક્યુસેક પાણીની આવક થઇ છે. તો ડેમમાંથી ૧૧૬૫૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ, ધરમપુર, કપરાડા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

બોડેલીમાં વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે. બોડેલીમાં છ કલાકમાં લગભગ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદના લીધે બોડેલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બોડેલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે.

 

(3:35 pm IST)