ગુજરાત
News of Saturday, 25th June 2022

સુરતના ડુમસ રોડ ઉપર એક બેભાન યુવકનો પોલીસકર્મીએ બચાવ્યો જીવ

યુવકને બચાવવા માટે પોલીસકર્મીએ કર્યા પ્રયત્ન: સમયસૂચકતા વાપરીને ચેસ્ટ પંપીંગ કર્યું

સુરત : રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો કાયદાનું પાલન કરે તેની જવાબદારી પોલીસની હોય છે.પરંતુ જ્યારે આ કાયદાનું પાલન કરાવતા આ હાથ લોકોના જીવ પણ બચાવે છે. અવાર નવાર ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં ખાખીધારી જવાનો લોકોનો જીવ બચાવે છે. આવો જ એક માનવતાનો ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરતના એક પોલીસ કર્મીની સમયસૂચકતાને કારણે એક યુવકનો જીવ બચ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશકુમાર જીવાભાઇ ગઈકાલે એસવીએનઆઈટી (SVNIT) સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ લોકરક્ષક જવાનની બાઈક કોઈ કારણોસર ખરાબ થતાં તે એસવીએનઆઈટી સર્કલ નજીક રીપેર કરાવી રહ્યા હતા. આ દરમિયાન એસવીએનઆઈટી કોલેજ નજીક એક યુવક રોડ ક્રોસ કરતી વખતે બેભાન ગયો હતો. એકાએક પટકાવાથી યુવકનું મોઢું પણ લોહી લુહાણ થઈ ગયું હતું.

જેથી ત્યાં હાજર લોકરક્ષક જીતેશકુમારની નજર યુવક પર પડતાંની સાથે જ તેઓ મદદ માટે દોડી ગયા હતા. અને બેભાન યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. યુવકને સાઈડમાં લઈ જઈ અને તેને બચાવવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. યુવક બરાબર શ્વાસ લઈ શકે એ માટે પોલીસે તેને છાતીમાં દબાવીને પંપિંગ કર્યું હતું. જેના કારણે યુવકને શ્વાસ લેવામાં મદદ મળી હતી. આ બાદ યુવકને તાત્કાલિક ધોરણે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેથી આ યુવકનો જીવ બચી ગયો હતો.

મહત્વનું છે કે યુવકનો જીવ બચાવીને લોકરક્ષક જીતેશકુમારે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ બનાવ સમયે ત્યાં હાજર લોકોએ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ આ વીડિયો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ વડોદરાના પોલીસ કર્મીનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવતીનો પોલીસ કર્મીએ જીવ બચાવ્યો હતો.

(8:49 pm IST)