ગુજરાત
News of Saturday, 25th June 2022

ભરૂચમાં એક સાથે 4 દુકાનોના શટર તોડી ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો

આ યુવાનને મજૂરીકામ ગમતું ન હતું માટે તેને પૈસા કમાવા આ કીમિયો અજમાવ્યો :સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા વિસ્તારના ફૂટેજની તપાસ કરતા તસ્કરનો ચહેરો દુકાન અને વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાં કેદ થયો હતો

ભરૂચ :શહેરના હાર્દસમા સ્ટેશન રોડ વિસ્તારમાં એક સાથે 4 દુકાનોના શટર તોડી ચોરીના ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનારને ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે.

એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હિસ્ટ્રીશીટરોની ફાઈલના એકએક પાનાં તપાસી અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી આખરે પડકાર ફેંકનાર ચોરને વળતો જવાબ આપી દીધો હતો.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર 23 જૂને રાતે એસ.ટી. ડેપો સામે આવેલ ગણેશ ખમણ નામની દુકાનનું શટર તોડી રોકડા રૂપીયા ચોરી ચોર પલાયન થઇ ગયો હતો. ચોરે ભૃગુ મંઝિલ શોપિંગ સેન્ટરમાં કુલ 4 દુકાનોના તાળા તોડ્યા હતા.

બનાવની તપાસ એ ડિવિઝન પી.આઈ. એ.કે.ભરવાડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ચોરીનો આ ગુનો શોધી કાઢવા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા વિસ્તારના ફૂટેજની તપાસ કરાઈ હતી. તસ્કરનો ચહેરો દુકાન અને વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાં કેદ થયો હતો.

હિસ્ટ્રીશીટરોને તપાસી અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરાયું હતું. આખરે પોલીસને સફળતા મળી હતી. ગુનામાં સંડોવાયેલ આરોપી રવિકુમાર ભાઇલાલભાઇ પટેલને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. મકતમપુર ચીમન ટેકરી ઝુપડપટ્ટી ખાતે રહેતો રવિકુમાર ચોરીના પૈસાથી મોજ કરે તે પહેલા જ ઝડપી પડાયો હતો. આ યુવાનને મજૂરીકામ ગમતું ન હતું માટે તેને પૈસા કમાવા આ કીમિયો અજમાવ્યો હતો.

(8:33 pm IST)