ગુજરાત
News of Saturday, 25th June 2022

આકાશી વીજળી પડતા ઝઘડિયાના રજલવાડાના એક ખેડૂત અને હાંસોટમાં મોઠિયા ગામે 5 ઘેટાં મોતને ભેટ્યા

વીજળી પડતા યુવાનની ટોપી બળી જવા સાથે તેના માથામાં નિશાન પડી ગયું હતું. તે ત્યાં જ બેહોશ થઈ ઢળી પડ્યો

ભરૂચ જિલ્લામાં હજી ચોમાસુ જામ્યું નથી ત્યાં આકાશી વીજળી પડવાના બનેલા બે બનાવોમાં યુવાન ખેડૂત અને 5 ઘેટાં મોતને ભેટ્યા છે. ચોમાસામાં આકાશી વીજળીથી વિશેષ સાવધાની રાખવા લોકોને ટકોર કરવામાં આવી છે.

ઝઘડિયા તાલુકાના રજલવાડા ગામે યુવાન ખેડૂત અને હાંસોટ તાલુકાના મોઠિયા ગામે 5 ઘેટાંના આકાશી વીજળી ત્રાટકતા મોત થયા છે. ઝઘડિયાના રજલવાડા ગામે શુક્રવારે બપોરે 31 વર્ષીય બળવંતસિંહ વસાવા ખેતરે હતા. તે સમયે આકાશી વીજળી યુવાન ઉપર પડી હતી. યુવાનની ટોપી બળી જવા સાથે તેના માથામાં નિશાન પડી ગયું હતું. તે ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. ઘટનાની જાણ કાકા અશોકભાઈને થતા તે ભત્રીજાને જોવા ખેતરે દોડી ગયા હતા. 108 ને બોલાવતા સ્ટાફે યુવાનની નશો ચાલતી ન હોવાનું કહ્યું હતું. અવિધા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા યુવાનને મૃત જાહેર કરાયો હતો.

બપોરના સુમારે જ વીજળી પડવાનો બીજો બનાવ હાંસોટના મોઠિયા ગામે બન્યો હતો. જ્યા પશુપાલકોના ઘેટાં ઉપર વીજળી પડતા 5 ઘેટાંના મોત થયા હતા. યુવાન ખેડૂતના કાકાએ ઘટના અંગે રાજપારડી પોલીસ મથકે અકસ્માત મોત અંગે જાણવા જોગ ફરિયાદ આપી હતી. જ્યારે મોઠિયા ગામના પશુપાલકોએ તેમના ઘેટાંના વીજળી થી થયેલા મોત અંગે હાંસોટ પોલીસને જાણ કરી હતી.

ચોમાસામાં આકાશી વીજળીથી વિશેષ સાવધાની રાખવા તંત્ર ટકોર કરી રહ્યું છે. વરસાદ વરસતો હોય કે વીજળી થતી હોય ત્યારે વૃક્ષ નીચે, વીજળીના તાર નીચે ઉભું રહેવું જોઈએ નહીં.

(8:28 pm IST)