ગુજરાત
News of Saturday, 25th June 2022

નડિયાદના મહુધા નજીક એક્ટિવા-કન્ટેનર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સનું મોત

નડિયાદ : મહુધા નજીક શુક્રવારે એક્ટિવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. જેમાં મહુધાના એક રહીશનું  મોત નિપજ્યું હતું. પરિવારના એકમાત્ર આધાર છીનવાતા પરિવારમાં ગમગીની વ્યાપી છે.

મહુધાના લીમડી ફળિયામાં રહેતા દીપકભાઇ મનુભાઇ પટેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિવારનો એકમાત્ર આધાર દિપકભાઇ આજે સવારે પોતાનું એક્ટીવા લઇને નડિયાદ તરફ જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે મહુધા ટી પોઇન્ટ ચોકડી પાસે પહોંચ્યા તે સમયે સામેથી પૂરઝડપે આવતી એક કન્ટેનરે તેમના એક્ટીવાને અડફેટે લીધા હતા. કન્ટેનર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારતા એક્ટીવા પર સવાર દિપકભાઇ રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાથી દિપકભાઇનું સ્થળ પર જ  મોત નિપજ્યું હતું. જ્યારે કન્ટેઇનરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. 

દિપકભાઇના પરિવારમાં એક પુત્રી અને પુત્ર છે, પુત્રીના લગ્ન થઇ ગયેલ છે જ્યારે દિકરો હજી અભ્યાસ કરે છે. ઘરમાં કમાનાર એકમાત્ર દિપકભાઇનું અકસ્માતમાં અવસાન થતા ઘરનો મોભી છીનવાઇ જતા ઘરમાં શોકની લાગણી વ્યાપી છે. આ ઘટના અંગે મહુધા પોલીસે કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:04 pm IST)