ગાંધીનગર જિલ્લામાં ડભોડા પોલીસે જુગાર રમતા ત્રણ શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા
ગાંધીનગર:જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ડભોડા પોલીસે લવારપુર રોડ ઉપર જુગાર રમતાં ત્રણને ઝડપી લીધા હતા તો કલોલ શહેર પોલીસે ઔડા ગાર્ડન પાસે જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા થોડા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ ખુબજ વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે લવારપુર જવાના રોડ ઉપર ફાંટાવાળા ખેતર પાસે કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને ભાઈલાલભાઈ મગાજી ઠાકોર રહે.ડભોડા, રણજીતજી પોપટજી સોલંકી રહે.અતાજીના છાપરા અને સંજય બાબુભાઈ રાઠોડ રહે.વણકરવાસ લવારપુરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રપ૮૦ની રોકડ કબ્જે કરી સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો પણ નોંધ્યો હતો. તો બીજી બાજુ કલોલ શહેર પોલીસની ટીમે ઔડા ગાર્ડન પાસે દરોડો પાડીને જુગાર રમતાં દીનેશકુમાર કરશનભાઈ સુમેસરા રહે.વિશ્વકુંજ સોસાયટી રેલ્વે પૂર્વ કલોલ, મહોંમદ રઈસ રમજાનીભાઈ નીયારગર રહે.કુંભારવાસ, કલોલ, રાજેશ વાળાજી ઠાકોર રહે.મોટો ઠાકોરવાસ, ગાયોનો ટેકરો, કલોલ અને કાળાજી સેંધાજી ઠાકોર રહે.મોટો ઠાકોરવાસ, ગાયોનો ટેકરો કલોલને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪૯૦ની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.