ગુજરાત
News of Friday, 25th June 2021

૧૦ હજાર શાળાઓમાં ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ માટે કાર્યાવાહીનો પ્રારંભ

પ જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશેઃ ૧પ જુલાઇએ પ્રથમ યાદી બહાર પડશે

રાજકોટ, તા. રપ : ગુજરાતમાં આજની  આરટીઇ હેઠળ ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યવાહીનો ઓનલાઇન પ્રારંભ થયો છે.

રાજયની ખાનગી સ્કુલોમાં રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) એકટ અંતર્ગત ધો. ૧ માં પ્રવેશ માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. રાજયમાં આવેલી ૧૦ હજાર જેટલી ખાનગી પ્રાથમિક સ્કુલોમાં ૧ લાખ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કાર્યવાહી યોજાશે. વાલીઓ આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે પ જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ત્યાર બાદ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ બે રાઉન્ડની કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજયની ખાનગી પ્રાથમિક સ્કુલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે. આરટીઇ અંતર્ગત ધો. ૧ માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારથી વાલીઓ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. શુક્રવારથી શરૂ થનારી ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પ જુલાઇ સુધી ચાલશે.

(4:18 pm IST)