ગુજરાત
News of Friday, 25th June 2021

સોસાયટીની મીટિંગમાં પાયલ રોહતગીનો હોબાળોઃ પોલીસે કરી ધરપકડ

સોસાયટીની મીટિંગમાં પહોંચીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ સોસાયટી ચેરમેને ફરિયાદ કરી : પાયલ રોહતગીએ વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ મેસેજ મૂકયાઃ સોસાયટીના સભ્યો વિરુદ્ઘ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી

અમદાવાદ, તા.૨૫: આ પહેલા પણ પોતાના નિવેદરો અને સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક વિવાદમાં આવી ચૂકેલી બોલિવૂડની એકટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ઘમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કોમેન્ટ લખી ડિલિટ કરી નાખતી હતી. એકટ્રેસ સોસાયટીની મીટિંગમાં સભ્ય ન હોવા છતાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં સોસાયટીના ચેરમેને તેની વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

સેટેલાઈટ સુંદરવન એપીટોમમાં રહેતા અને તબીબ પરાગભાઇ શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ૨૦મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ હતી. જેમાં સોસાયટીમાં સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી. જેથી ચેરમેને તેણીને કહ્યું હતું કે, તમારા માતાપિતા સભ્ય છે. તમારા માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતા જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ તેણીએ વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

સુહાગરાતે જ પતિએ કહ્યું 'હું તો બીજાના પ્રેમમાં', સાસુએ કહ્યું પુરુષોને તો આવા શોખ હોય

સોસાયટીના ચેરમેને આરોપ મુકયા હતા કે એકટ્રેસે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂકયા હતા, જેમાં સભ્યોની ટકોર બાદ એને ડિલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે ફેમીલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ. પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

ફરિયાદ પ્રમાણે પાયલે સોસાયટી ગેરકાયદેસર હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત સોસાયટીના બાળકોને પણ 'અહીં રમશો તો ટાંટીયા ભાંગી નાખીશ' તેવી ધમકીઓ આપી. આ મામલે અંતે સોસાયટીના ચેરમેને પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(4:17 pm IST)