ગુજરાત
News of Friday, 25th June 2021

રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે : કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને ભામાશા પરંપરા આગળ ધપાવી છે : કોરોનાના પડકારને પહોંચી વાળવામાં સામાજિક સંસ્થાઓ ઔધોગિક એકમો ધાર્મિક સંસ્થાઓ અને કોરોના લડવૈયાઓના યોગદાનને રાજ્યપાલશ્રીએ હૃદયપૂર્વક બિરદાવ્યું

રાજ્યપાલશ્રીએ વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુનું ઉત્પાદન કરતા પ્લાંટનું કર્યું લોકાર્પણ :કિરી ઇન્ડસ્ટ્રીઝના સૌજન્ય થી પાદરાની ક્રોસરોડ હોસ્પિટલ માં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે: કિરી ઉદ્યોગ સમૂહ દ્વારા કોરોના સામેની લડતમાં યોગદાન રૂપે વડોદરાની સયાજી હોસ્પિટલ અને વારાણસીની હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ આપવામાં આવ્યા

રાજકોટ તા25,   કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ,લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની તકેદારીઓ પૂર્વવત પાળે એવો અનુરોધ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે,રાજ્ય સરકારે પહેલા ફેઝમાં સમુચિત સારવાર માટે ૪૦ હજાર બેડની વ્યવસ્થા કરી હતી.હાલમાં એક લાખ બેડ સહિત ઓકસીજન પ્લાન્ટ,દવાખાનાઓ અને માનવ સંપદાની જરૂરી વ્યવસ્થા કરી છે. તકેદારીરૂપે બાળકોની કોરોના થી સુરક્ષા માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે.

  તેમણે જણાવ્યું કે,લોકોએ કોરોના એક ઘાતક અને અજાણી બીમારી રૂપે શરૂ થયો ત્યારે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દિશા નિર્દેશોનું પાલન કર્યું હતું.તબીબો, નર્સો, કોરોના ટેસ્ટ કરનારાઓ,અને વાહન ચાલકો એ જે રીતે આ કટોકટીમાં માનવ ધર્મનું પાલન કર્યું એ અજોડ છે.

  તેમણે જણાવ્યું કે, સંતો, સમાજસેવીઓ,ધાર્મિક અને સામાજિક તથા સેવા સંસ્થાઓ અને નાગરિક સંગઠનોની સાથે ઉદ્યોગ ગૃહોએ પણ કોરોના સામેની લડાઇમાં સાધુવાદને પાત્ર યોગદાન આપ્યું છે.એમનું ભામાશા કર્તવ્ય ધન્યવાદને પાત્ર છે.

    ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોસ રોડ હોસ્પિટલના પરિસરમાં રૂ.૭૦ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુ ઉત્પન્ન કરતાં પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.કોરોના કટોકટીમાં ઓકસીજનના અવિરત પુરવઠાની ખાત્રી આપતો આ પ્લાન્ટ કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સૌજન્ય થી સ્થાપિત કરવામાં આવ્યો છે.આ ઉદ્યોગ સમૂહ દ્વારા કોવિડ સામેની લડતમાં યોગદાન આપવા પાદરા ઉપરાંત વડોદરાની સયાજી હોસ્પીટલમાં અને પ્રધાનમંત્રીશ્રીના સંસદીય વિસ્તાર વારાણસીની દીનદયાળ  હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ  સ્થાપવા જેવા કામો કરવામાં આવ્યા છે. તેના માટે કંપની સામાજિક જવાબદારી અદા કરવા માટેના ભંડોળમાંથી અંદાજે રૂ.પોણા ત્રણ કરોડનો ખર્ચ કરશે.

  આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

  આ પ્લાન્ટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના દિશાનિર્દેશનું પાલન કરીને સ્થાપિત કરવામાં આવ્યો છે.

  કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને લોકોની પીડા હરનારી પ્રવૃત્તિ કરી છે.તો ક્રોસરોડ હોસ્પિટલે ગ્રામ વિસ્તારમાં અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું આવકાર્ય કામ કર્યું છે.ઉદ્યોગપતિઓ અને ધનપતિઓ દ્વારા લોકોની વેદના હરનારા આ પ્રકારના કામો સાધુવાદને પાત્ર છે.

  કોરોના સામેની લડાઇમાં ગુજરાતના રાજભવનની  ભૂમિકાની વિગતવાર જાણકારી આપતાં તેમણે કહ્યું કે,યુવા અન સ્ટોપેબલ સંસ્થાને સાથે રાખીને રાજભવન દ્વારા લોક સહયોગ થી એક લાખ પાયાના કોરોના વોરિયરની ઓળખ કરીને તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ આપવામાં આવી છે. ૧૫૦ ઓકસીજન કન્સનટ્રેટર, પાંચ ઓકસીજન પ્લાન્ટ જેવી વ્યવસ્થાઓ સરકાર સંચાલિત હોસ્પિટલોમાં કરવામાં આવી છે.

  અમે સંતો મહંતોની બેઠક પણ યોજી હતી.આ ધર્મ સુકાનીઓ એ પણ ભોજન ભંડારા, કોવીડ કેર સેન્ટર,દવા વિતરણ જેવી વ્યવસ્થાઓ દ્વારા વ્યાપક યોગદાન આપ્યું છે.   

   એન.સી.સી.અને રેડક્રોસ જેવી સંસ્થાઓ પણ કોરોના સામે રાહત આપતી પ્રવૃત્તિઓમાં જોડાઈ તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.આરોગ્ય વિભાગના તબીબો અને કર્મયોગીઓની સેવાઓની તેમણે પ્રશંસા કરી હતી.

  આ પ્રસંગે ક્રોસરોડ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.અમરનાથ ગુપ્તાએ રાજ્યપાલશ્રીના આચાર્ય, શિક્ષણશાસ્ત્રી સહિતની બહુઆયામી વ્યક્તિત્વનો પરિચય આપવાની સાથે સહુને આવકાર્યા હતા.હોસ્પિટલના એમ.ડી.નયના પટેલે રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું.

  સખાવતી કિરી ઉદ્યોગ સમૂહના એમ.ડી.મનીષ કિરીને રાજ્યપાલશ્રીએ જન સેવાની પહેલો માટે ખાસ બિરદાવ્યા હતા.

  જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચૌધરીએ રાજ્યપાલશ્રીને કાર્યક્રમ સ્થળે આવકાર્યા હતા.

  કિરી ઉદ્યોગ સમૂહ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ, તબીબો,આરોગ્યકર્મીઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

(3:46 pm IST)