ગુજરાત
News of Friday, 25th June 2021

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં 3 વર્ષની માસૂમને નરાધમે હવસનો શિકાર બનાવી

બાંધકામ સાઈટ પર મજૂરી કરીને પેટિયું રળતા પરિવારની દીકરીને હવસખોરે પીંખી નાખી : બાજુની બિલ્ડિંગના ટેરેસ પર બાળકી બેભાન હાલતમાં મળી : આરોપી સિક્યુરિટી ગાર્ડ શિવનારાયણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં 3 વર્ષની માસૂમને હવસખોરે તેની હવસનો શિકાર બનાવી છે આ અંગે મળતી માહિતી અનુસાર, અડાજણ-પાલ ગૌરવ પથ પર આવેલ નવનિર્મિત બાંધકામ સાઇટ પર આ ઘટના બની હતી. સાઈટ પર મજૂરીકામ કરીને પેટિયુ રળતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ગુરુવાર બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. આથી પીઆઈ સહિતના સ્ટાફે નવી બાંધકામની સાઇડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં બાળકીની શોધખોળ કરી હતી.

પોલીસની અન્ય ટીમે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી જેમાં એક વ્યકિત સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરી બાળકીને લઈ જતો દેખાય છે. ફુટેજ આધારે બાજુની બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી. આથી પોલીસ બાજુની બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી ત્યારે રૂમમાંથી બાળકી બેભાન હાલતમાં મળી હતી. બાળકી ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આરોપી શિવનારાયણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકેનું કામ કરે છે. બનાવને પગલે અડાજણ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરવા સાથે બાળકીની સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે થાય તે પ્રકારના પ્રયાસો કર્યા હતા. ઘટનાને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત સુધી ઘટનાસ્થળ પર રહીને પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી હતી

(12:01 pm IST)