ગુજરાત
News of Wednesday, 25th May 2022

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા મનપા તંત્ર જાગ્યું : 4 મહિનામાં 1400 જેટલા રખડતા પશુઓને પકડ્યાનો દાવો

મનપાની મથામણ અને મેયરના દાવાઓની પોલ ખોલતા દ્રશ્યો :પ્રજા પરેશાન:ચાલુ મહિને અત્યાર સુધીમાં રખડતી રંજાડની 5 ઘટનાઓ સામે આવી

વડોદરાના રસ્તાઓ પર રખડતા ઢોરોએ છેલ્લા કેટલાય દિવસોથી લોકોને ઘાયલ કરવાનું ચાલુ જ રાખ્યું છે. ત્યારે કાર્યવાહી બતાવવા વડોદરા પાલિકાની ટીમ ઢોર પકડવા નીકળી હતી. કોર્પોરેશનના સત્તાધીશો અનેકવાર ઢોરમુક્ત શહેરના દાવા કરી ચૂક્યા છે. પણ સફળતા તો દૂર તેમને સફળતા મળવાની વાત તો દૂર રહી પરંતુ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્થિતિ અંકુશમાં આવવાની જગ્યાએ વણસી રહી છે.

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ પર અચાનક મોત ત્રાટકે છે. રખડતા ઢોરના ત્રાસથી એકબાજુ લોકો થથરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યુ છે. રજવાડી શહેરમાં આજકાલ રખડતી રંજાડ માજા મુકી રહી છે. મનપાની મથામણ અને મેયરના દાવાઓની પોલ ખોલતા આ દ્રશ્યો ચાડી ખાઇ રહ્યા છે કે, શાસકો નિંદ્રામાં છે, રખડતા ઢોર બેફામ છે અને પ્રજા પરેશાન છે. ચાલુ મહિને અત્યાર સુધીમાં રખડતી રંજાડની 5 ઘટનાઓ સામે આવી ચૂકી છે.

(12:50 am IST)