ગુજરાત
News of Wednesday, 25th May 2022

જળ આંદોલનને સફળ બનાવવા મામેરાનો પ્રસંગ બંધ રાખ્યો :કાલે બનાસકાંઠામાં 25 હજાર ખેડૂતો થશે એકઠા

કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માંગ : એક મહિનામાં 100થી વધુ ગામોના ખેડૂતોનું મળ્યું સમર્થન

બનાસકાંઠામાં પાણીની અછતને લઈને ડેમ અને તળાવ પાણીથી ભરવાની માંગ ઉગ્ર બની છે. આ જળ આંદોલનને ટેકો જાહેર કરી પાલનપુર માર્કેટયાર્ડ પણ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે પાણી આપોની માંગ સાથે આવતીકાલે  તા. 26 મેના રોજ યોજાનારી ખેડૂતોની મહારેલીના દિવસે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ બંધ પાળી આ આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે પાણી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા ખેડૂતો આકરા પાણીએ થયા છે અને જળ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. 

ત્યારે બનાસકાંઠામાં ખેડૂતોના જળ આંદોલનને અનોખુ સમર્થન મળ્યું છે. જળ આંદોલન માટે ખેડૂતે પોતાના ઘરનો પ્રસંગ બંધ રાખ્યો. લગ્ન પ્રસંગમાં યોજાનાર મામેરાનો પ્રસંગ બંધ રાખી તમામને આ જળ માટેના આંદોલનને સફળ બનાવવા હાંકલ કરી છે.

વડગામના ભેમજીભાઇ ચૌધરીના ઘરેથી તેમની બહેનના ઘરે મામેરૂ જવાનું હતુ. ભેમજીભાઇએ પ્રસંગ બંધ રાખી રેલીમાં જવા માટે તેમના સગા-સંબંધીઓને અપીલ કરી છે. બનાસકાંઠામાં આવતીકાલથી ખેડૂતોના જળ આંદોલનની શરૂઆત થશે

ઉનાળાની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામોંમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે. પાણીની માંગ અંગે અનેક વખત રજૂઆત કરાયા બાદ હવે ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ઠલવાય તે અંગે ખેડૂતો રજુઆતો કરી-કરીને થાકયા છે. પરંતુ પરિણામમાં 'અંતમાં શૂન્ય તણો સરવાળો' ની માફક માંગ સંતોષાય નથી. જેને લઈને પોતાની માંગને બુલંદ કરવા ખેડૂતો દ્વારા આવતીકાલે 26ના રોજ જળ આંદોલનને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીની ખેડૂતો દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાણીની માંગને સરકારના કાન સુધી પહોંચાડવા આશરે ૨૫ હજારથી વધુ ખેડૂતો આ મહારેલીમાં જોડાશે.

(8:53 pm IST)