ગુજરાત
News of Wednesday, 25th May 2022

સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તમામ પ્રકારના નવા ખોદકામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

સુરત:સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાની આગાહી બાદ મ્યુનિ.ના વહીવટી અને ચુંટાયેલ પાંખ વચ્ચે આજે પ્રિમોન્સુન કામગીરી ની સમીક્ષા માટે બેઠક મળી હતી. મ્યુનિ. કમિશ્નરે આજથી શહેરમાં તમામ પ્રકારના નવા ખોદાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. તેની સાથે જ ૫ જુન સુધી શહેરના તમામ રસ્તાઓની ટ્રેન્ચ બનાવીને રસ્તા બનાવી દેવા માટે પણ આદેશ કર્યો છે. સુરત મ્યુનિ. દ્વારા દર વર્ષે ૩૧ મે ના રોજ તમામ પ્રકારના ખોદાણ પર પ્રતિબંધ મુકવામા આવે છે પરંતુ  વહેલા વરસાદની આગાહીના કારણે આજથી જ શહેરમાં તમામ પ્રકારના ખોદાણ પર પ્રતિબંધ જાહેર કરીને તમામ વિકાસના કામો સેફ સ્ટેજ પર લાવવા માટે સૂચના આપી દીધી છે. શહેરમાં  કામ કરતી તમામ  સવસ પ્રોવાઈડર એજન્સીઓને પણ હવે નવા ખોદાણ નહી કરવા સુચના આપી દેવામા આવી છે. કમિશનરે તમામ ઝોન અને વિભાગને હાલ જે ખોદાણ કરવામા આવ્યા છે તે કામગીરી તાકીદે પુરી કરી ટ્રેન્ચ રીપેર કરીને રસ્તા બનાવી દેવા  તાકીદ કરી છે. ઉપરાંત હાલમાં સેન્ટ્રલ  ઝોનમાં  પાણી અને  ડ્રેનેજના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે તે કામગીરીને પણ જે સ્ટેજ પર છે તે સ્ટેજ પર અટકાવીને ૫ જૂન સુધીમાં રસ્તાના પેચ વર્ક અને રસ્તાની કામગીરી પુરી  કરવા માટે સુચના આપી છે.  આ કામગીરી હવે ચોમાસા બાદ ફરીથી શરૃ કરવા માટે જણાવ્યું છે.

(6:30 pm IST)