ગુજરાત
News of Wednesday, 25th May 2022

વસો તાલુકામાં કલોલી ગામથી સંતરામપુરના ધુળીયા રસ્તાથી લોકો ભારે હેરાન પરેશાન

નડિયાદ : વસો તાલુકામાં કલોલી ગામથી સંતરામપુરાના ધુળીયા રસ્તાથી લોકો ભારે હેરાન  પરેશાન થઈ ગયા છે. ત્યારે કલોલી પરા વિસ્તાર સંતરામપુરાનો પાકો રસ્તો બનાવવા સ્થાનિક લોકો એ માગણી કરી છે.

વસો તાલુકા પંચાયતના સભ્ય કમલેશભાઈ પરમારે જણાવ્યું છે કે કલોલી ગામના પરા વિસ્તાર સંતરામપુરામાં ૨૫૦ જેટલા ખેડૂત પરિવાર વસવાટ કરે છે. આ પરા વિસ્તારના લોકોને ગામમાં આવવા જવાનો રસ્તો ધુળીયોછે. જેથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. વળી, ચોમાસામાં તો રસ્તા પર કાદવ કીચડ સર્જાતા અબાલ વૃદ્ધને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. બીમાર દર્દીઓ તેમજ શાળામાં જતા વિદ્યાર્થીઓને કાદવમાંથી પસાર થઇને જવું પડે છે. સીમ વિસ્તારને જોડતો પાકો રસ્તો બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં  કોઈ જ કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.  ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા પાકો રોડ બનાવી આપવાના આશ્વાસનો આપવામાં આવે છે. પરંતુ ચૂંટણી યોજાયા બાદ પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો વિસરી જતાં હોય છે. ત્યારે કલોલી ગામથી સંતરામપુરાના રસ્તા ના પ્રશ્નો વહેલી તકે નિવારણ કરવા માગણી કરવામાં આવી છે.

 

(6:28 pm IST)