ગુજરાત
News of Wednesday, 25th May 2022

ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે પર અકસ્માતના બનાવમાં ભરખમ વધારો:હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર મહિલાનું મૃત્યુ

ગાંધીનગર ઃ ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં બાઈક સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ડભોડા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ નવી નથી પરંતુ છેલ્લા થોડા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓમા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં મહિલાનું મોત થયું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે પાલજ ગામમાં રહેતા જશુજી ઠાકોર ગઈકાલે તેમની પત્ની કાંતાબેનને મુકવા માટે બાઈક ઉપર પાલજથી ચાંદખેડા જવા માટે નીકળ્યા હતા. ચિલોડા નરોડા હાઇવે ઉપર વલાદ ગામના બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહનચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે જશુજી અને તેમની પત્ની જમીન પર પટકાયા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા કાંતાબેનનું મોત થયું હોવાનું બહાર આવ્યુ હતું તો ગંભીર રીતે ઘવાયેલા જશુજીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના અંગે તેમના પુત્ર અનિલ ઠાકોરની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ફરાર વાહનચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:31 pm IST)