ગુજરાત
News of Wednesday, 25th May 2022

ગુજરાત પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં ૩-૫ રૂપિયાનો ઘટાડો કરશે

ગુજરાતની જનતાને મળશે રાહત! : રાજ્‍યમાં પેટ્રોલ ઉપર ૧૩.૭ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે : ગુજરાતમાં ડીઝલ ઉપર ૧૪.૯ ટકા વેટ તથા ૪ ટકા સેસ વસૂલાય છે : ગુજરાત સરકારે પેટ્રોલ પરના વેટ પેટે ૨૦૨૧માં ૫૮૬૫ કરોડ રૂપિયા કમાણી કરી હતી

નવી દિલ્‍હી તા. ૨૫ : દેશભરમાં છેલ્લા થોડા મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવને કારણે મોંઘવારીથી જનતા ત્રસ્‍ત હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્‍સપોર્ટેશન મોંઘું થયું હતું અને તેના લીધે બધી જ બાબતોના ભાવ આસમાને પહોંચ્‍યા હતા. જોકે, તાજેતરમાં જ ભારત સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્‍સાઈઝ ડ્‍યૂટીમાં ઘટાડો જાહેર કરતાં પેટ્રોલના ભાવમાં રૂપિયા આઠ અને ડીઝલના ભાવમાં રૂપિયા છનો ઘટાડો થયો છે. આ સાથે જ ભારત સરકારે તમામ રાજયોને પણ તેમના દ્વારા વસૂલાતા વેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી. જેને કેટલાક રાજયોએ માન્‍ય રાખી છે. ગુજરાતમાં આ ઘટાડા અંગે નાણાં વિભાગમાં સરવાળા-બાદબાકીના સરવૈયા મંડાયા હતા. છેવટે ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા બાદ જાહેરાત કરાય તેવી સંભાવના છે.

ગુજરાત સરકાર વર્ષે પેટ્રોલના વેચાણ ઉપર આશરે ૬,૦૦૦ કરોડ અને ડીઝલના વેચાણ ઉપર અંદાજે ૧૨,૫૦૦થી ૧૩ હજાર કરોડ જેટલી કમાણી કરે છે. જોકે, દેશના અન્‍ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેરો ઓછો લેવાય છે. રાજયમાં પેટ્રોલ ઉપર ૧૩.૭ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે. જયારે ડીઝલ ઉપર ૧૪.૯ ટકા વેટ તથા ૪ ટકા સેસ વસૂલાય છે. સીએનજી અને પીએનજી પર ૧૫-૧૫ ટકા વેટ લેવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સામાન્‍ય રીતે દેશમાં કુલ ૧,૪૭,૦૫,૦૦૦ મેટ્રિક ટન અને સરેરાશ માથાદીઠ ૨૦.૬ કિલોગ્રામ પેટ્રોલ તથા ૩,૫૬,૩૪,૦૦૦ મેટ્રિક ટન ડીઝલ અને માથાદીઠ ૪૯.૯ કિલો ડીઝલ વપરાય છે. ગુજરાતમાં વાર્ષિક લગભગ ૧૦,૨૭,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ અને ૨૫,૪૫,૦૦૦ ડીઝલનો વપરાશ થાય છે. જયારે ગુજરાતમાં સરેરાશ માથાદીઠ ૨૯ લિટર પેટ્રોલ અને ૭૧ લિટર ડીઝલ વપરાય છે. ગુજરાત સરકારે ૨૦૨૦માં પેટ્રોલ પરના વેટ પેટે ૩૯૨૦ કરોડ રૂપિયા અને ૨૦૨૧માં ૫૮૬૫ કરોડ રૂપિયા કમાણી કરી હતી. જયારે ડીઝલના વેચાણ પેટે ૨૦૨૦માં ૮૭૫૪ કરોડ રૂપિયા અને ૨૦૨૧માં ૧૨,૫૫૧ કરોડ રૂપિયાની આવક કરી હતી.

ગુજરાત સરકારે તેના બજેટમાં કુલ આવકનો અંદાજ ૨,૧૧,૨૩૮ કરોડ રાખ્‍યો હતો. જેમાં વર્ષાંતે ૧,૮૮,૪૦૦ કરોડની આવક થઈ હતી. એટલે કે સરકારના બજેટની અંદાજિત આવકની સાપેક્ષમાં ૮૯.૧૦ ટકા કમાણી થઈ છે. જેમાં સરકારે વિવિધ વેરા પેટે ૧,૩૪,૮૫૪ કરોડની આવકનો અંદાજ રાખ્‍યો હતો. તેની સામે સરકારને ટેક્‍સમાંથી ૯૬ ટકા એટલે કે ૧,૨૮,૭૮૩ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ પરિસ્‍થિતિમાં રાજય સરકાર બુધવારે કે ગુરુવારે (૨૫ કે ૨૬ મે) પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩ થી ૫ રૂપિયાની રાહત જાહેર કરે તો સરકારને વેરાથી થતી આવક એકાદ હજાર રૂપિયા ઘટી શકે છે પરંતુ તેની સામે ચૂંટણી નજીક છે ત્‍યારે ભાવમાં ઘટાડો ચૂંટણી પ્રચારનો મુદ્દો ચોક્કસથી બનશે.

(3:18 pm IST)