ગુજરાત
News of Monday, 25th May 2020

APL-1ના ૧૮ લાખથી વધુ પરિવારોને APL-2માં મુકાશે

કુલ ૬૧ લાખ પૈકી ૪૨ લાખ જેટલા પરિવારોએ મફત અનાજનો લાભ લીધોઃ બાકીનાને જરૂરિયાત ન હોવાનું સરકારનું તારણઃ કોરોનાની પરિસ્થિતિ થાળે પડ્યા બાદ ઘરે -ઘરે સર્વેઃ ધનવાનોને અલગ તારવી ગરીબોની જેમ મધ્યમ વર્ગને પણ કાયમી લાભ આપવાની વિચારણા

રાજકોટ તા. ૨૫:  રાજ્ય સરકાર દ્વારા  કોરોનાની પરિસ્થિતીને અનુલક્ષીને  એપ્રિલ અને મે મહિનામાં  બીપીએલ તથા એપીએલ -૧ કાર્ડ  ધારકોને વિનામૂલ્યે  અનાજ આપવામાં આવ્યુ છે.  સામાન્ય રીતે એપીએલ-૧ ધારકોને રેશનકાર્ડની દુકાન પરથી કોઇ લાભ મળવાપાત્ર હોતો નથી પરંતુ મહામારીને અનુલક્ષીને સરકારે ખાસ લાભ આપેલ. સરકારી વ્યાખ્યા મુજબ બીઅીએલ કાર્ડવાળા ગરીબ, એપીએલ-૧વાળા  મધ્યમ વર્ગ અને  એપીએલ-૨વાળા  શ્રીમંત વર્ગ હોય છે.  ર મહિના વિનામુલ્યે ઘંઉ , ચોખા , ખાંડ, ચણાની દાળ વગેરે વિતરણ કરવામાં આવેલ. સરકારે જેને જરૂરિયાત ન હોય તેને લાભ ન લેવા અપીલ કરેલ. એપીએલ-૧ના ૬૧ લાખ જેટલા કાર્ડધારકો પરિવારો પૈકી બંન્ને મહિના સરેરાશ ૪૨ લાખ જેટલા પરિવારોએ  લાભ લીધેલ. તેનાથી સરકાર કોને કેટલી જરૂરિયાત છે તે તારણ પર આવી છે. એપીએલ-૧ના બાકીના ૧૮ લાખ જેટલા પરિવારોને એપીએલ-૨માં મૂકવા માટેના  ચક્રો ગતિમાન થઇ ગયા છે.

સરકાર એપીએલ-૧માંથી એપીએલ-૨ને અલગ તારવી એપીએલ-૧ને કાયમી ધોરણે કોઇ લાભ આપવા વિચારતી હોવાના નિર્દેશ છે. સામાન્ય રીતે વાર્ષિક એક લાખથી વધુ આવક (સત્તાવાર રીતે) ધરાવતા હોય તેવા પરિવારો એપીએલ-૨માં  મુકાવા પાત્ર છે. એપીએલ-૨માં એટલે કે સરકારની દ્રષ્ટિએ ધનવાન વર્ગમાં હાલ માત્ર ૪.૭૯ લાખ  રેશનકાર્ડ ધારકો છે. કોરોનાની પરિસ્થિતી થાળે પડ્યા બાદ સરકાર  ઘરે -ઘરે સર્વે કરાવી એપીએલ-૧ના રેશનકાર્ડ ધારકોને  એપીએલ-૨માં ફેરવવા માટે નિર્ણય કરશે. તે જ રીતે  બીપીએલ વર્ગનો સર્વે કરાવી તેમાંથી કોઇ એપીએલ-૧માં આવવા પાત્ર હોય તો તેની શકયતા તપાસાશે. કાર્ડનો વર્ગ બદલતી વખતે કોઇને અન્યાય ન થાય તેની સરકાર કાળજી રાખવા માંગે છે.

એપીએલ-૧ એટલે મધ્યમ વર્ગ, એપીએલ-૨ એટલે શ્રીમંત વર્ગ

રાજકોટ તા. ૨૫: સરકાર આવકના  માપદંડના આધારે એપીએલ-૧, એપીએલ-૨ અને બીપીએલ તેમ મુખ્ય ત્રણ પ્રકારના રેશનકાર્ડ ફાળવે છે. બીલો પોવર્ટી લાઇનના  એટલે  કે  ગરીબીની રેખા નીચેના પરિવારોને  બીપીએલ કાર્ડ મળવા પાત્ર છે. એપીએલ એટલે કે એબોવ પોવર્ટી લાઇનના પરિવારોને એપીએલ-૧ કાર્ડ મળે છે તે મધ્યમ વર્ગમાં ગણાય છે. જેની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખથી  વધુ હોય તેને એપીએલ -૨ કાર્ડ મળવા પાત્ર છે.  આવા પરિવારો  શ્રીમંત વર્ગમાં ગણાય છે.

હાલ કયાં વર્ગના કેટલા કાર્ડધારકો?

* બી.પી.એલ   ૬૮.૮૦ લાખ

* એ.પી.એલ.-૧ ૬૧.૦૦  ''

* એ.પી.એલ-૨ ૦૪.૭૯  ''

(11:40 am IST)