ગુજરાત
News of Saturday, 25th May 2019

સુરત અગ્નિકાંડ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા નોટિસ

ચાર સપ્તાહમાં ખુલાસો કરવા સરકારને આદેશ : મીડિયા અને અખબારોના હેવાલને લઇ આયોગે કાર્યવાહી હાથ ધરી : આયોગે આગના મામલામાં ગંભીર નોંધ લીધી

અમદાવાદ,તા. ૨૫ : સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૨૩ વિદ્યાર્થીઓના મોત અંગે આજે ખુદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. રાજ્યના મુખ્ય સચિવને પાઠવાયેલી આ નોટિસમાં માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાનો કડીબદ્ધ અહેવાલ માંગવા ઉપરાંત કસુરવારો સામે સરકારે શા પગલાં ભર્યા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે શું તકેદારી લીધી તેની વિગતો પણ માંગી છે. આયોગે રાજય સરકાર પાસેથી આ સમગ્ર મામલે ચાર સપ્તાહમાં ખુલાસો માંગ્યો છે. મીડિયા-અખબારના માધ્યમોમાં સુરતના આગકાંડ અને એકસાથે ૨૩ વિદ્યાર્થીઓના અકાળે થયેલા મોતના અહેવાલોને લઇ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(એનએચઆરસી) પણ હરકતમાં આવ્યું હતું અને આયોગે જાતે જ સુઓમોટો કાર્યવાહી હાથ ધરીને આ સમગ્ર મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. જાહેર ઈમારતમાં અપૂરતી સલામતી વ્યવસ્થાને લીધે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તેને પંચે માનવ અધિકારનો ભંગ ગણ્યો છે. મુખ્ય સચિવને મોકલવામાં આવેલી નોટિસમાં પંચે અનેક મહત્વના મુદ્દાઓ વિશે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ઈમારતની બી.યુ.પરમિશન વગર ઉપરના માળે બાંધકામ કેવી રીતે થયું, કેટલાં વરસથી એ બાંધકામ હતું, ત્યાં ટ્યુશન ક્લાસ ચાલતાં હોવા છતાં એ બંધ કેમ કરાવવામાં ન આવ્યા, બિલ્ડિંગના પ્રવેશદ્વારના દાદર પાસે જ ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર મૂકીને નિયમોનો ભંગ કરવા માટે કોણ જવાબદાર સહિતના અનેક સવાલોની સ્પષ્ટતા માનવ અધિકાર પંચે માંગી છે.

મુખ્ય સચિવને મોકલાયેલી નોટિસમાં માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાક્રમ અંગેનો તલસ્પર્શી અહેવાલ માંગવા ઉપરાંત લેવાયેલા પગલાં અને કસુરવારો સામેની કાર્યવાહીની વિગતો પણ માંગી છે અને એક મહિનામાં સમગ્ર મામલે ખુલાસો કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.

 

(8:24 pm IST)