ગુજરાત
News of Friday, 25th May 2018

ઉનાળામાં સુરત પંથકના યુવકનો લેપ્ટો રિપોર્ટ પોઝિટિવઃ ડોકટરો આશ્ચર્યચકિત

૧૮ દિવસની સારવાર બાદ યુવાનને સહી સલામત રજા અપાઈઃ મોટેભાગે ચોમાસામાં જ દેખાય છેઃ તબીબ વર્તુળમાં ચર્ચાનો વિષય

સુરત, તા. ૨૫ :. દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ મચાવે છે પણ આ વર્ષે ઉનાળામાં કાળજાળ ગરમીમાં લેપ્ટો.નો પ્રથમ કેસ નોંધાતા તબીબ અને આરોગ્ય વિભાગ નવાઈ સાથે કામે લાગી ગયું છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ નર્મદા જીલ્લામાં સાગબારામાં રહેતા ૩૬ વર્ષિય યુવાન ગઈ તા. ૭ મીએ તાવ સહિતની બિમારીમાં સપડાતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પીટલમાં આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. તેનો લેપ્ટો.નો રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબો ચોંકી ગયા હતા. ચોમાસાની ઋતુમાં દેખાતો લેપ્ટો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કઈ રીતે દેખાયો. તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

યુવાનની હાલત નાજુક હોવાથી સિવિલના આઈ.સી.યુ.માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. ત્યાં એક અઠવાડીયુ તેમને રાખવામાં આવ્યો. જો કે ડો. અશ્વિન વસાવા અને તેમની ટીમે સારવાર આપી હતી. તેથી તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. બાદમાં તેમને જનરલ વોર્ડમાં ખસેડાયો હતો. આખરે ૧૮ દિવસ સુધી સારવાર બાદ આજે તેમને રજા આપી હતી. જેથી દર્દી અને પરિવારજનોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.

નવી સિવિલના મેડિસીન વિભાગના ડો. અશ્વિન વસાવાએ કહ્યુ કે આ દર્દીને દાખલ કરતી વખતે તાવ સાથે લીવર અને કીડનીની તકલીફ હતી. લેપ્ટો.માં મોટાભાગના કેસમાં 'પલમોનરી હેમરેજ' થવાને કારણે મૃત્યુ થાય છે. આ દર્દીને પણ પલમોનરી હેમરેજ હોવાથી એક અઠવાડીયું વેન્ટીલેટર  પર  રાખવામાં  આવ્યો  હતો. (૨-૪)

(11:55 am IST)