ગુજરાત
News of Monday, 25th March 2019

શહીદ દિને શહીદ કથા, નિકોલ – અમદાવાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોની ઉપસ્થિતિ

પરમવીર ચક્ર કેપ્ટન બાનાસિંઘ, વાક્તાશ્રી યોગેશદાન ગઢવી વગેરેનું સન્માન

અમદાવાદ:  માર્ચને શહીદ દિન – બલિદાન દિન તરીકે મનાવવામાં આવે છે. ભારતીય આઝાદીના ઇતિહાસનો અમર દિવસ. ૮૮ વર્ષ પહેલાં આજના જ  દિવસે વર્ષ ૧૯૩૧માં ભરયુવાનીમાં ભારત રાષ્ટ્રને કાજે હસતાં હસતાં શુળીએ ચઢી જનાર મહાન ક્રાંતિકારી શહીદ - એ – આઝમ સરદાર  ભગતસિંહ, શિવરામ હરિ રાજગુરુ અને સુખદેવ થાપર – ત્રણેય શહીદવીરોને ફાંસી અપાઈ હતી.  આઝાદી પહેલાના અનેક વીરો અને વિરાંગનાઓના બલિદાન – શહીદ દિવસ અલગ અલગ હોય એ રીતે અલગ અલગ શ્રદ્ધાંજલિ આપવાને બદલે ૨૩ માર્ચને શહીદ દિન તરીકે સ્વીકારી બધી વિરલ વિભૂતિઓને એક સાથે શ્રદ્ધાંજલિ આપવા નિર્ણય થયો અને ત્યારથી આપણે ૨૩ માર્ચે શહીદ દિન મનાવતા થયા. ૨૩ માર્ચનો દિવસ પસંદ કરવાનું કારણ એ હતું કે સરદાર  ભગતસિંહ, શિવરામ હરિ રાજગુરુ અને સુખદેવ થાપર – ત્રણેયે પોતાના પ્રગતિશીલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના  નૌજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યે એવી દીવાનગી જન્માવી કે અંગ્રેજ સરકારને ભય લાગવા માંડ્યો કે ક્યાંક દેશ છોડીને ભાગી જવું ન પડે. ત્રણેયે બ્રિટીશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો કે જેના પરિણામ સ્વરૂપે તેમની ધરપકડ કરી અને ૨૪ માર્ચ ૧૯૩૧ ના રોજ ત્રણેયને એક દિવસ પહેલાં ફાંસી આપી દીધી. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુરબાન થઈ ગયા. ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરે જુએ છે. અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આજે પણ એ ત્રણેય મહાન ક્રાંતિકારી યુવા પેઢી માટે આદર્શ છે.

 

મહાનગર અમદાવાદના નિકોલ વિસ્તારમાં “માં ભારતી યુવા બ્રિગેડ” દ્વારા આયોજિત ત્રિદિવસીય શહીદ કથાના પ્રારંભ દિને સમગ્ર અમદાવાદ શહેરમાં શહીદ પરિવારોના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા - રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને સન્માનવા માટે મણિનગર  શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત સત્સંગીઓએ મણિનગર અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરે એકત્ર થયા હતા. અને યથાયોગ્ય સન્માન કર્યું હતું.

સાંજે શહીદ કથા – નિકોલમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પધાર્યા હતા. આ કથામાં ઈ.સ. ૧૯૮૭માં પાકિસ્તાને સિયાચીન પર પહોચીને કબજે કરેલી કાયદે આઝમ પોસ્ટ જીતવા માટે ભારત તરફથી ત્રીજી બટાલિયનના કેપ્ટન બાનાસિંઘને કમાન સોંપવામાં આવી હતી. જેઓ સાથી સૈનિકો સાથે ૨૧ હજાર ફૂટની ઉંચાઈ પર માઈનસ ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે સિયાચીન પહોચે છે. ત્રણ દિવસની આ લડાઈ બાદ પાકિસ્તાનીઓને ભોયભેગા કરી દે છે. તેવા કેપ્ટન બાનાસિંઘના નામથી કાયદે આઝમ પોસ્ટ આજે પણ બાના ટોપ નામથી ઓળખાય છે. આ પરાક્રમ બદલ પરમવીર ચક્ર જેમને મળ્યો છે તેવા  પરમવીર ચક્ર કેપ્ટન બાનાસિંઘ તથા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના પરિવારજનો તેમજ વક્તાશ્રી  યોગેશદાન ગઢવીનું શાલ, પુષ્પહાર અને પ્રસાદ અર્પીને યથાયોગ્ય સન્માન કર્યું હતું. સૌએ આ પ્રસંગને કરતાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો

(12:13 pm IST)