ગુજરાત
News of Thursday, 25th February 2021

વૃદ્ધની આંખમાં મરચું નાખી લૂંટ ચલાવી ત્રણ શખ્સ ફરાર

અમદાવાદના બહેરામપુરાની ચોંકાવનારી ઘટના : પત્ની અમેરિકા હોઈ ઘરમાં એકલા રહેતા વૃદ્ધે વિચાર્યા વગર દરવાજો ખોલતાં ૩ જણાંએ ઘટનાને અંજામ આપ્યો

અમદાવાદ : અમદાવાદમાં એક સિનિયર સિટીઝનના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં અડધી રાત્રે વૃદ્ધના ઘરના દરવાજાનો બેલ વાગ્યો હતો. સામેથી અવાજ આવ્યો કે, જેક અંકલ દરવાજો ખોલો. સિનિયર સિટીઝને કંઈ વિચાર્યા વગર દરવાજો ખોલતા ત્રણ લૂંટારૂ તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખી દીધી હતી. ત્યારબાદ  તેમને સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. નોંધનીય છે કે, વૃદ્ધ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને છેલ્લા આઠ વર્ષથી અહીં ઘરે રહે છે. તેમના પત્ની હાલ અમેરિકા ખાતે રહે છે. વૃદ્ધ ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે. વૃદ્ધને કોઈ સંતાન હોવાનું જાણવા મળ્યું છે. શહેરના બહેરામપુરામાં રહેતા નરેશ શાહ (..૭૨) બુધવારે રાત્રીના સમયે ઘરે એકલા હોવાથી ઘરનો મેન દરવાજો બંધ કરી બેડરૂમમાં સુતા હતા ત્યારે રાત્રીના વાગે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને જેક અંક દરવાજો ખોલો તેમ કહ્યું હતું. જેથી નરેશભાઇને કોઇ જાણતી હોવાનું લાગ્યું હતું. જેવો નરેશ શાહે દરવાજો ખોલ્યો તેવું ત્રણ શખ્સોએ નરેશભાઈની આંખમાં મરચુ નાંખી દીધુ ત્યારબાદ તેમની સાથે મારઝુડ કરી મોઢે સેલોટેપ બાંધી દીધી હતી અને ઘરમાંથી ટીવી,મોબાઈલ અને ચાંદીની વીટી મળીને રૂ.૨૬ હજારની મત્તાની લુંટ કરી નરેશભાઈને ઘરમાં પુરી બહારથી દરવાજો  બંધ કરી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ ગભરાઈ ગયેલ નરેશભાઈએ દરવાજો જોર જોરથી ખખડાવી આસપાસના લોકોને ઉંઘમાંથી ઉઠાડીને તેમના ઘર પાસે બોલાવી દરવાજો ખોલાવ્યો હતો. ત્યારબાદ આસપાસના લોકોને નરેશભાઈએ તેમની સાથે થયેલ લુંટની જાણ કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સોના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે ડોગ સ્કોડને પણ જાણ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે. પોલીસને એવી પણ આશંકા છે કે, જે પ્રમાણે આરોપીએ લૂંટ ચલાવી તે જોતા કોઇ જાણ ભેદુ છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

(9:16 pm IST)