ગુજરાત
News of Sunday, 25th February 2018

ડેસર તાલુકાના વરસડા- ૪ ની નર્મદા માયનોર કેનાલમાં જબરજસ્ત ગાબડુ પડયુ : ખેતર જળબંબાકાર: ખેતર તળાવમાં રૂપાંતર

ડેસર:  ડેસર તાલુકાના વરસડા- ૪ ની નર્મદા માયનોર કેનાલમાં આજે સવારે જબરજસ્ત ગાબડુ પડયુ હતું. સ્થાનિક ખેડૂતોને ખબર પડે તે પહેલાં પોતાના વાવેતર કરેલા ખેતરમાં માયનોર કે પાણી ફરી વળ્યુ હતું. મેરાકુવા ગામના ખેડૂત જસુભાઇ પરમારના સર્વે નંબર ૭૯૩ વાળા ખેતરના સેઢેથી પસાર થતી વરસડા માયનોર- ૪ માં સવારે ગાબડુ પડયુ હતું. તેઓ તેમના ખેતરમાં ગયા ત્યારે બાજરીના વાવેતર કરેલા ખેતરમાં પાણી ભરાતુ હતું. ધીરે ધીરે કેનાલના પડેલા ગાબડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને માયનોર કેનાલ રીતસરની વચ્ચેથી તૂટી ગઇ હતી. કેનાલમાં જેટલું પાણી વહેતુ હતું તે તમામ જસુભાઇના ખેતરમાં વળી જતા જોતજોતામાં તેમનું ખેતર તળાવમાં રૂપાંતર થવા પામ્યુ હતું.

મેરાકુવાના ખેડૂતે નર્મદા કેનાલના અધિકારીઓનું ટેલિફોનથી ધ્યાન દોર્યું હતું અને નજીકમાં રહેતા ગેટમેનનુ ધ્યાન દોરતા તેણે માયનોર કેનાલનો ગેટ આગળથી બંદ કરી દીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ખેડૂતનું ૪ વિઘાનું ખેતર તળાવ બની ગયુ હતું અને ખેતી બરબાદ થઇ ગઇ હતી. આ કેનાલની મરામત મહીના અગાઉ જ કરવામાં આવી હતી. તો ટૂંકા ગાળામાં કેનાલમાં આટલુ મોટુ ગાબડુ કયા કારણોસર પડયું તે એક તપાસનો વિષય છે.

(11:45 am IST)