ગુજરાત
News of Tuesday, 25th January 2022

ફેનિલ કોરાટે યુવતી પાસેથી ૪૫ લાખ પડાવી લીધા

રાજકોટના ઉદ્યોગપતિના કાળા કરતૂત : ઉદ્યોગપતિએ અમદાવાદની જે ફાઈવ સ્ટાર હોટેલ્સમાં યુવતી રોકાઈ હતી ત્યાંનું બિલ પણ યુવતી પાસે ભરાવ્યું હતું

અમદાવાદ, તા.૨૫ : રાજકોટના ઉદ્યોગપતિ ફેનીલ કોરાટે સુરતની યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બાદ આ મામલે તપાસમાં અનેક ચોંકવાનારા ખુલાસા આવ્યા છે. જેમાં ઉદ્યોગપતિએ યુવતી પાસેથી ટુકડે ટુકડે રુ. ૪૫ લાખ પણ પડાવી લીધા છે.

એટલું જ નહીં અમદાવાદની જે ફાઈવ સ્ટાર હોટેલ્સમાં યુવતી રોકાઈ હતી ત્યાંનું બિલ પણ યુવતી પાસે જ ભરાવ્યું હતું. પોલીસ તપાસમાં તેવી વિગતો પણ સામે આવી રહી છે. કે દુબઈમાં રહેતી યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે ફેનીલ અમદાવાદથી દુબઈ અપડાઉન કરતો હોય તેમ વારંવાર દુબઈ જતો હતો. અમદવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં પોલીસને રોજેરોજ નવી નવી કડીઓ મળી રહી છે. દુબઈમાં રહેતીકે સુરતની યુવતી સાથે સંપર્કમાં આવેલા રાજકોટના ફેનીલ કોરાટે તેને ધંધામાં પોતાની પોર્ટનર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. જે બાદ યુવતીને અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલમાં રાખીને તેની સાથે સંબંધ બનાવ્યા હતા.

ફેનીલે યુવતીને અમદાવાદ બોલાવ્યા બાદ બે મહિના સુધી શહેરની ફાઈવ સ્ટાર હોટેલ તાજ, ક્રાઉન પ્લાઝા, હિલ્ટન તથા નોવેટોમાં રાખી હતી. કેનીલે તમામ હોટલનું બિલ યુવતી પાસે જ ભરાવ્યું હતું. આટલું જ નહીં યુવતી પાસેથી તેણે ટુકડે ટુકડે ૪૫ લાખ રુપિયા પણ પડાવી લીધા હતા. યુવતીએ પણ તમામ વ્યવહારો ઓનલાઈન કર્યા હોવાથી તેની વિગતો પોલીસને મળી છે. હવે પોલીસ દ્વારા આ વ્યવહારો અને તમામ હોટેલમાં તપાસ કરવામાં આવી રહી છે. ફેનીલે પોતાની કંપનીમાં યુવતીને ભાગીદાર બનાવી દીધી અને શિવોત્રી ઈનપેક્ષ એક્સપોર્ટનું કામ ચાલુ કર્યું. જેથી યુવતીને ફેનીલની તમામ વાતો સાચી લાગવા માંડી હતી અને તે લગ્ન કરી સુખી સંસારના સપના જોવા લાગી હતી. ત્યારે જ ફેનીલે રાજકોટની એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને એક સંતાનનો પિતા પણ બની ગયો હતો. આ બાબતની જાણ જ્યારે યુવતીને થઈ ત્યારે તેણે સેટેલાઈટ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

(8:58 pm IST)