ગુજરાત
News of Tuesday, 25th January 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિયત સમયે જ થશે

અટકળો પર સીઆર પાટીલે મુક્યુ પૂર્ણવિરામ : કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇપણ ક્ષેત્રે કામ ન કર્યુ હોય, જેના કારણે લોકો ખુશ છે, પ્રભાવિત છે અને સમર્પિત છે

ગાંધીનગર, તા.૨૫ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની ચાલી રહેલી અનેક અટકળો પર ભાજપ પ્રદેશ પ્રમુખે પૂર્ણવિરામ મુકી દીધું છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જણાવતા કહ્યું કે, ચૂંટણી નિયત સમયે જ યોજાશે. ચૂંટણી સુધી વિકાસલક્ષી કામો થતા રહેશે અને વિકાસ જ અમારો પહેલો મુદ્દો છે. સીઆર પાટીલે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ડિસેમ્બરમાં ગુજરાતની ચૂંટણી આવવાની વાત છે. ત્યાં સુધી આવા કાર્યક્રમો ચાલતા રહેશે. લોકો સંપર્કમાં રહે, સામાન્ય લોકો સાથે નરેન્દ્ર મોદી સાહેબનો જે લગાવ છે તે મજબૂત બને. વિકાસ અમારો પહેલો મુદ્દો છે. આ ઉપરાંત જે રીતે સરકાર કામ કરે છે મને નથી લાગતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઇપણ ક્ષેત્રે કામ ન કર્યુ હોય.

જેના કારણે લોકો ખુશ છે, પ્રભાવિત છે અને સમર્પિત પણ છે. નોંધનીય છે કે, ૪૦,૦૦૦ જેટલા કાર્યકર્તાઓની એકસાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે બેઠક કરી તેઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. ત્યારે પણ ચૂંટણી અંગેના સવાલમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા પાટીલે જણાવ્યું હતુ કે, ભાજપનો કાર્યકર કાયમ ચૂંટણી માટે તૈયાર જ હોય છે. આટલા વર્ષોમાં ભાજપ એટલા માટે જ તમામ ચૂંટણીઓ જીતતું આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે ડિસેમ્બરમાં જ યોજાશે. આજે સીઆર પાટીલ બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના તમામ પેજ પ્રમુખો સાથે નમો એપ દ્વારા સંવાદ કર્યો હતો. જેમા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે મહિલા મતદાતાઓની સંખ્યા વધી છે.

ઈવીએમની મદદથી થોડા જ કલાકમાં ચૂંટણીનું પરિણામ આવી જાય છે. સાથે જ વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ નમો એપના માધ્યમથી વડાપ્રધાનના આ સંવાદમાં જોડાયા હતા. પીએમ મોદીએ કાર્યકરોને વોટિંગ વધારવાનું આહ્વાન કરતા કહ્યુ હતુ કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ૬૭% મતદાન થયું હતુ, હવે આ વખતે તેનાથી વધે તેવા પ્રયત્ન કરજો. ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણીમાં જનતાના મુદ્દા સાથે સંપૂર્ણ તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતુ. મહિલા સુરક્ષા, ખેતી, આરોગ્ય અને શિક્ષણ સહિતના તમામ મુદ્દાઓ પર કામ કરવા માટે કોંગ્રેસ તૈયાર છે.

ભાજપે ૨૦૧૭માં જનતાને ઠાલા વચનો આપ્યા. રોજગારી, આરોગ્ય અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રે ભાજપ નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસે જણાવ્યુ વધુમાં જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં ગુજરાતના અનેક લોકો મોતને ભેટ્યા છે. પેપરો લીક થઈ રહ્યાં છે. ભાજપની આંતરિક લડાઈનો ભોગ રાજ્યની પ્રજા બની રહી છે. આજે સમય પાકી ગયો છે કે, 'ભાજપ હટાવો, ગુજરાત બચાવો. ગુજરાતમાં ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે પરંતુ ગુજરાતની મુખ્ય ત્રણ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને આપે પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો જોવાનું એ જ રહ્યું કે, આગામી સમયમાં લોકો કઇ પાર્ટીને વધાવે છે.

(8:55 pm IST)