ગુજરાત
News of Tuesday, 25th January 2022

મહુધામાં પોલ્ટ્રીફાર્મના સર્વન્ટ ક્વાટર્સમાં દંપતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : મહુધા શહેરમાં આવેલ એક પોલ્ટ્રીફાર્મના સર્વન્ટ ક્વાટર્સમાં રહેતા દંપતિએ આજે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. જો કે આ બનાવમાં પતિનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પત્નીની હાલત ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પત્નીની પૂછપરછ બાદ જ સાચી હકિકત બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે.

મહુધાના ભૂલી ભવાની નજીક રોયલ પોલ્ટ્રીફાર્મ આવેલુ છે. આ પોલ્ટ્રીફાર્મમાં આવેલ ઓરડીમાં ૩૨ વર્ષિય અશોકભાઇ વિરનભાઇ ગોડ પોતાની પત્ની આરતીબેન સાથે છેલ્લાં પાંચ-છ મહિનાથી રહે છે.અશોકભાઇ મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેમને બે બાળકો છે જે અભ્યાસ માટે મધ્યપ્રદેશ તેમના માતા પિતા સાથે રહે છે. ગત્ ૨૨મી જાન્યુઆરીએ સાંજના સાડા પાંચથી ૨૩મી તારીખના સવારે ૧૦ વાગ્યાના અરસામાં આ પતિ પત્નીએ તેમની ઓરડીમાં કોઇઅગમ્ય કારણોસર  ઝેરી દવા પી જઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અશોકભાઇનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે આરતીબેનની હાલત ઘણી ગંભીર હોવાથી તેમને તરત જ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. જ્યાં હાલ તે સારવાર હેઠળ હોવાનું પોલીસો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે આરતીબેનની પૂછપરછ બાદ જ બંને પતિ પત્નીએ આવું ગંભીર પગલું કેમ ભર્યું તે વિશે વધુ વિગતો જાણવા મળશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.  આ લખાય  છે ત્યાં સુધી આરતીબેનને વધુ સારવાર અર્થે અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

(5:43 pm IST)